
સંબુનગર–દેડિયાપાડા માર્ગ પર પાણી ભરેલા ખાડામાં વૃદ્ધનું ડૂબી જવાથી મોત, ગ્રામજનોએ ઉઠાવ્યા બેદરકારીના આક્ષેપ,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધી : જેસિંગ વસાવા
દેડિયાપાડા, તા. 19 જુલાઈ: સંબુનગર અને દેડિયાપાડા વચ્ચે નવીન બાંધકામ હેઠળ બનાવવામાં આવેલા એક ગાળાનું પુલ ની નીચે આશરે 10 ફૂટ ઊંડો પાણીથી ભરાયેલો ખાડો વધુ એક જીવલેણ અકસ્માતનું કારણ બન્યો છે. આ દુર્ઘટનામાં સોમાભાઈ ગોવિંદભાઈ તડવી (ઉ.વ. 71), વતન: આંબાવાડી, તાલુકો દેડિયાપાડાનું ખાડામાં પડી જવાથી કરુણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ નાળાના બાંધકામ દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતાં તે અત્યંત જોખમી બન્યો હતો. વૃદ્ધ સોમાભાઈ તડવી અજાણતા આ પાણી ભરેલા ખાડામાં પડી જતા તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ જ સ્થળે અગાઉ પણ ખાડામાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થયું હતું. તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા ખાડાનો યોગ્ય નિકાલ, સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી નહોતી. જો સમયસર પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત અને જરૂરી સુરક્ષા પગલાં લેવાયા હોત તો આવી ગંભીર દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.
આ ઘટનાને પગલે સમગ્ર દેડિયાપાડા તાલુકા પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં દેડિયાપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિક ગ્રામજનોએ જવાબદાર વિભાગ સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ જાહેર કામોમાં સલામતીના ધોરણોનું કડક પાલન થાય તેવી માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને.



