HALVAD:હળવદના બળાત્કારના ગુનામાં જામીન પરથી ફરાર આજીવન કેદનો કેદી કાલિકા પ્લોટમાંથી ઝડપાયો

HALVAD:હળવદના બળાત્કારના ગુનામાં જામીન પરથી ફરાર આજીવન કેદનો કેદી કાલિકા પ્લોટમાંથી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલો આરોપી આખરે મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમની ગોઠવેલી જાળમાં આબાદ ઝડપાઈ ગયો છે. પોલીસ ટીમે આરોપીને પકડી પાડી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
જામીન પૂર્ણ થયા બાદ પણ જેલમાં હાજર થયો નહોતો
મળતી વિગતો અનુસાર, હળવદના ભવાની નગર (લાંબી ડેરી ઢોરો વિસ્તાર) ખાતે રહેતા જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઇ નારેજા (ઉં.વ. ૩૧) ને હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આથી તે રાજકોટ જીલ્લા જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.
દરમિયાન, આરોપીએ નામદાર હાઇકોર્ટમાંથી ૯ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જામીનની મુદ્દત પૂર્ણ થતાં તેને તારીખ ૧૯/૦૬/૨૦૨૬ ના રોજ રાજકોટ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આરોપી જેલમાં હાજર ન થઈને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.
બાતમીના આધારે કાલીકા પ્લોટમાંથી દબોચાયો
ફરાર કેદીને પકડી પાડવા માટે મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર આરોપી જુસબ ઉર્ફે અચો મોરબી શહેરના કાલિકા પ્લોટ, સાયન્ટિફિક રોડ વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને સ્થળ પરથી પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી તેને ફરીથી રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવા માટે આગળની કાયદેસરની પ્રોસેસ હાથ ધરી છે.







