
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ: નેત્રંગ તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. નેત્રંગના રહેવાસી અને પ્રતિભાશાળી વિદ્યાર્થી સમકિત વિનોદભાઈ શાહની દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા સંચાલિત પીએચ.ડી. કાર્યક્રમમાં જુનિયર રિસર્ચ ફેલો (JRF-2026) તરીકે પસંદગી થઈ છે.
BARC દ્વારા દર વર્ષે લાઇફ સાયન્સ, કેમિકલ સાયન્સ અને ફિઝિકલ સાયન્સ એમ ત્રણ વિજ્ઞાન શાખાઓમાં દેશભરમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2026 માટે સમગ્ર ભારતમાંથી કુલ 105 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
આ ગૌરવપૂર્ણ પસંદગીમાં સમકિત વિનોદભાઈ શાહની ફિઝિકલ સાયન્સ શાખામાં પસંદગી થતાં નેત્રંગ તાલુકા માટે ગૌરવની લાગણી પ્રસરી છે. સમ્કિતે પોતાની મહેનત, લગન અને વૈજ્ઞાનિક અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાના બળે આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સમકિતની આ નોંધપાત્ર સફળતાથી તેમના પરિવારજનો, મિત્રો, શિક્ષકો તેમજ સમગ્ર નેત્રંગ તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
સમકિતની આ સિદ્ધિ તાલુકાના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. સમગ્ર નેત્રંગ તાલુકાને આશા છે કે સમકિત ભવિષ્યમાં પણ પોતાના સંશોધન કાર્ય દ્વારા રાજ્ય અને દેશનું નામ વધુ રોશન કરશે.



