ભરૂચ પાલિકામાં વોર્ડ-11ના કામો પર વિવાદ: વિપક્ષની રજૂઆત બાદ પ્રમુખ સાથે ઉગ્ર બોલાચાલી.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં વિકાસકામોના વિલંબ અને અધૂરા કામોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તણાવ સર્જાયો છે. પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામો અંગે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ તથા પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વિપક્ષી સભ્યો શમશાદ અલી સૈયદ, જીગ્નેશ બ્રહ્મભટ્ટ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ અને નિખિલ શાહ સહિતના આગેવાનો પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. તેમણે વોર્ડમાં વિકાસકામો ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી.
ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બનતાં વિપક્ષી સભ્યો પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગયા હતા અને નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો કે લોકપ્રશ્નો રજૂ કરવા છતાં તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી
જોકે, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે વોર્ડ નંબર 11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાથી પેવર બ્લોક દૂર કરવામાં આવ્યા છે.
પ્રમુખએ વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે.




