
હાઈકોર્ટનો મોટો નિર્ણય,આપ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નિ શકુન્તલાબેન ચૈતરભાઈ વસાવા સહિત ૫ લોકોને મળ્યા જામીન*
તાહિર મેમણ – આણંદ – 22/07/2026 -:નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં શકુન્તલાબેન વસાવા સહિત ૫ વ્યક્તિઓના જામીન મંજૂર કરીને તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જામીન મેળવનાર વ્યક્તિઓમાં (૧) રમેશભાઈ ગીમાભાઈ વસાવા, (૨) મરિયમબેન ઝવેરભાઈ ગંભીરભાઈ વસાવા, (૩) બલિરામ ઉસીંગભાઈ વસાવા, (૪) મોગરાબેન રમેશભાઈ ગીમાભાઈ વસાવા, (૫) ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના પત્ની શકુન્તલાબેન ચૈતરભાઈ વસાવાનો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, નામદાર હાઈકોર્ટે શકુન્તલાબેન વસાવા અને નિર્દોષ ખેડૂતોના જામીન મંજૂર કર્યા તે બદલ અમે ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભાજપ સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને ખોટા કેસોમાં ફસાવવાનું રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અમને ન્યાયપ્રણાલી અને દેશના કાયદા પર પૂરેપૂરો ભરોસો છે. જે રીતે આજે શકુન્તલાબેન અને ખેડૂતોને ન્યાય મળ્યો છે, તેવી જ રીતે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને પણ ચોક્કસપણે જામીન મળશે અને તેઓ વહેલી તકે જેલમુક્ત થઈને પુનઃ પ્રજાની સેવામાં હાજર થશે તેવી આશા જતાવી હતી.




