MORBI:વર્ક ઓર્ડર અને DD પરત કરવા માગી લાંચ: મોરબીના ક્લાસ-2 અધિકારી રાજકોટમાંથી પકડાયા

MORBI:વર્ક ઓર્ડર અને DD પરત કરવા માગી લાંચ: મોરબીના ક્લાસ-2 અધિકારી રાજકોટમાંથી પકડાયા
ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રદ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવા માટે ₹50,000 ની લાંચ માગનારા સરકારી અધિકારીને ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રાજકોટ ખાતેથી રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મોરબીના મત્સ્યઉદ્યોગ અધિક્ષક (ક્લાસ-2) અને બોટાદ કચેરીનો ઇન્ચાર્જ ચાર્જ સંભાળતા ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીએ ચાલુ વર્ષે મત્સ્યઉદ્યોગ વિભાગમાં કુલ 7 ટેન્ડર ભર્યા હતા, જેમાંથી 3 ટેન્ડર મંજૂર થયા હતા અને 4 ટેન્ડર રિજેક્ટ થયા હતા.
મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા અને રિજેક્ટ થયેલા ટેન્ડરના DD પરત આપવાના બદલામાં આરોપી અધિકારીએ શરૂઆતમાં ₹1 લાખની લાંચ માગી હતી. જોકે, વાટાઘાટોના અંતે ₹50,000 આપવાનું નક્કી થયું હતું
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ભાવનગર ACB નો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB એ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલી SBI બેંક પાસે છટકુ ગોઠવ્યું હતું. આરોપી અધિકારી જેવા ફરિયાદી પાસેથી ₹50,000 ની લાંચ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ ACB ની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા.ACB એ લાંચની રકમ જપ્ત કરી આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







