WAKANER:વાંકાનેરમાં ૭૯ વર્ષીય વૃદ્ધની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ત્રણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા કિશોરો ઝડપાયા

WAKANER:વાંકાનેરમાં ૭૯ વર્ષીય વૃદ્ધની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ત્રણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા કિશોરો ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસે મોરબીના વૃદ્ધ સાથે થયેલી લૂંટનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ઘટનામાં સંકળાયેલા ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી લીધા છે અને લૂંટાયેલા મુદ્દામાલ સહિત બે ચોરાઉ બાઇક મળી રૂ. ૬૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગત ૨૦ જુલાઈના રોજ મોરબીના રવાપર રોડ પર રહેતા ૭૯ વર્ષીય હરીલાલ નાનજીભાઈ વિડજા વડોદરાથી પરત ફરી વાંકાનેર ઉતર્યા હતા. તેઓ જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ પગપાળા બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારી કિશોરોએ તેમનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.
વૃદ્ધે વિરોધ કરતા ત્રણેયે તેમની સાથે ઝપાઝપી કરી, જમીન પર પાડી દીધા હતા અને થેલામાં રહેલા રૂ. ૩,૦૦૦ રોકડા, ઓળખકાર્ડ તથા મહત્વના દસ્તાવેજો લૂંટીને ફરાર થઈ ગયા હતા.
ગભીરતાને ધ્યાને લઈ વાંકાનેર સીટી પી.આઈ. પર્વતકુમારી આર. સોલંકીના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણેય બાળ કિશોરોને હસ્તગત કર્યા હતા.
જપ્ત કરાયેલો મુદ્દામાલ:લૂંટાયેલા રોકડા રૂ. ૩,૦૦૦ ,એક મોબાઇલ ફોન ,ઓળખકાર્ડ તથા દસ્તાવેજો ,બે ચોરાઉ મોટરસાયકલ (કુલ કિંમત: રૂ. ૬૮,૦૦૦)
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય કિશોરો ગંભીર પ્રકારના ગુના આચરવાની ટેવ ધરાવે છે:આ કિશોરો ભાવનગરના ગારીયાધરથી મોટરસાયકલ ચોરી કરી, શહેરોમાં સિનિયર સિટિઝન અને વેપારીઓની રેકી કરતા હતા અને અવાજવર વગરની જગ્યાએ લૂંટ ચલાવતા હતા. હસ્તગત કરાયેલા એક કિશોર સામે અગાઉ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે.અન્ય બે કિશોરો સામે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલો છે.
આ સફળ કામગીરીમાં પ્રો. પી.આઈ. પર્વતકુમારી આર. સોલંકી, પીએસઆઈ વી.કે. મહેશ્વરી, કે.એચ. ભોચીયા તેમજ એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ફુલીબેન તરાર, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રાણીંગભાઇ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શીતભાઇ વ્યાસ, ભરતભાઇ મકવાણા તથા જગદિશભાઇ રંગપરા સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.







