BHARUCHNETRANG

નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ, ૧૦ કલાકમાં ૧૧ ઇંચ, અમરાવતી નદી બે કાંઠે વહી નેત્રંગ પોલીસ તેમજ તાલુકા વહીવટીતંત્ર એલર્ટ…

 

બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ

નેત્રંગ પંથકમાં ગઈકાલ રાત્રિથી શરૂ થયેલ ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી આજે તા. ૨૩ ના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં પંથકમાં કુલ ૨૮૦ મિ.મી. એટલે કે ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૭૫૯ મિ.મી. એટલે કે ૩૦ ઇંચ થવા પામ્યો છે.

સતત વરસાદને કારણે પંથકમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નેત્રંગ નગરમાંથી પસાર થતી અમરાવતી નદીમાં આ સિઝનમાં પ્રથમ વખત ધોડાપૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

સિંચાઈ વિભાગના અધિકારી મેહુલ ચૌધરીએ આપેલી માહિતી અનુસાર પંથકમાં આવેલ નાની સિંચાઈ યોજનાના ત્રણ ડેમો પૈકી પિંગુટ ડેમ ૬૧.૦૩%, બલદેવા ડેમ ૮૪.૪૩% ભરાયો છે. જ્યારે ધોલી ડેમ ૧૦૦.૩૬ % ભરાતા આજે સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. જેને પગલે ઝઘડિયા તાલુકાના ૧૨ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, કપાટ, તેજપુર, હરીપુરા, સારસા, રાજપારડી, વણાકપોર, જરસાડ અને રાજપુરી ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સંપૂર્ણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદના પગલે નેત્રંગ તાલુકાની તમામ શાળા-કોલેજોમાં આજે તેમજ આવતીકાલે તા. ૨૪ ના રોજ પણ રજા જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ નેત્રંગ મામલતદાર કલ્પેશ ગળિયા, તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ.વણઝારા, પી.એસ.આઈ. યુ.પી.પારેખ સહિતનો તમામ સ્ટાફ એલર્ટ પર છે.

ટીડીઓ દ્વારા મળેલી માહિતી મુજબ કામલિયા ગામે એક કાચું મકાન ધરાશાયી થયું છે. અવિરત વરસાદને કારણે વાહનવ્યવહાર પણ મંદ પડ્યો છે. આ સમાચાર લખાય છે ત્યારે પણ મેઘમહેર યથાવત છે.

Back to top button
error: Content is protected !!