કોઈપણ આપદાને પહોંચી વળવા તંત્ર સજ્જ રહે, તમામ વિભાગો પરસ્પર સંકલનથી કામ કરે: પ્રભારી સચિવ શ્રી કે. એલ. બચાણી

♦મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ખાતે મોન્સૂન એક્ટિવિટી અને ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
***
કોઈપણ આપદાને પહોંચી વળવા તંત્ર સજ્જ રહે, તમામ વિભાગો પરસ્પર સંકલનથી કામ કરે: પ્રભારી સચિવ શ્રી કે. એલ. બચાણી
**
મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા-૨૦૨૬ દરમિયાન મોન્સૂન એક્ટિવિટી અને ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અને (પંચાયત) દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન અને ચોમાસા દરમિયાનની કામગીરીની વિગતોથી પ્રભારી સચિવશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં માર્ગદર્શન આપતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના સમયે તમામ વિભાગો પરસ્પર યોગ્ય સંકલન રાખીને કામગીરી કરે તે અત્યંત આવશ્યક છે. કટોકટીની પરિસ્થિતિમાં વહીવટી તંત્રની સાથે એન.જી.ઓ. (NGO) અને આપદા મિત્રોનો સહયોગ લઈ સંકલન સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નગરપાલિકા વિસ્તારોમાં રોગચાળો અટકાવવા માટે નિયમિત સાફ-સફાઈ અને દવાઓના છંટકાવની કામગીરી સુનિશ્ચિત કરવા તેમજ કચેરીઓમાં તમામ કર્મચારીઓએ નિયમિત હાજર રહેવા તેમણે ખાસ સૂચના આપી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા પોતાના તમામ સંસાધનો સાથે હંમેશા સજ્જ હોવું જોઈએ. આ માટે નીચાણવાળા વિસ્તારો અને ગામોની યાદી અદ્યતન રાખવી, અસરગ્રસ્તોના સ્થળાંતર માટેની પૂર્વ તૈયારીઓ કરવી અને પાણીના નિકાલ માટે પૂરતા સાધનો ઉપલબ્ધ રાખવા અંગે તેમણે તાકીદ કરી હતી.
આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રીએ રોગચાળો ન ફેલાય તે માટે આગોતરી તકેદારી રાખવા અને IEC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન) એક્ટિવિટી પર વધુ ફોકસ કરવા જણાવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત) ની સમીક્ષા કરતા તેમણે સૂચના આપી હતી કે, વરસાદથી પ્રભાવિત રોડ-રસ્તાના પેચવર્કની કામગીરી સત્વરે પૂર્ણ કરવી. આ ઉપરાંત માર્ગો પરના ડાર્ક સ્પોટ ઓળખી કાઢવા અને અકસ્માત નિવારવા રોડ-રસ્તા આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા તાત્કાલિક દૂર કરવા જણાવ્યું હતું.
આ અગત્યની સમીક્ષા બેઠકમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ સહિત જિલ્લાના તમામ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
✍️ રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર




