
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા ગ્રામ પંચાયતમાં ૧૮માંથી ૧૪ સભ્યો બેઠકમાં હાજર, ૧૩ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મત આપતાં અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી મંજૂર; ભાજપના પોતાના સભ્યોએ જ પોતાના સરપંચને હટાવ્યો.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયતમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. વર્ષોથી ભાજપના ગઢ તરીકે ઓળખાતી આહવા ગ્રામ પંચાયતમાં ભાજપની આંતરિક જૂથબંધી હવે ખુલ્લેઆમ સામે આવી છે. સરપંચ હરિચંદભાઈ ભોયે સામે લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ૧૩ સામે ૧ મતથી મંજૂર થતાં તેમને સરપંચ પદ ગુમાવવું પડ્યું છે.
મળતી માહિતી મુજબ, પંચાયતના અસંતુષ્ટ સભ્યોએ સરપંચ પર વિકાસ કાર્યોમાં મનસ્વી વલણ, સરકારી ગ્રાન્ટના વિતરણમાં પારદર્શિતાનો અભાવ અને સભ્યોની અવગણના જેવા ગંભીર આક્ષેપો સાથે તલાટી-કમ-મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી અને તલાટી-કમ-મંત્રી પી.જી. ચૌહાણની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાઈ હતી.
કુલ ૧૮ સભ્યોમાંથી ૧૪ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. મતદાન દરમિયાન ૧૩ સભ્યોએ સરપંચ હરિચંદભાઈ ભોયે વિરુદ્ધ મતદાન કરતાં અવિશ્વાસનો પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો અને સરપંચને પદ છોડવું પડ્યું.
આ સમગ્ર ઘટનાની સૌથી મોટી રાજકીય અસર એ છે કે, સરપંચને હટાવનારા મોટાભાગના સભ્યો પોતે ભાજપ સાથે જોડાયેલા છે અને જિલ્લા સંગઠનમાં પણ વિવિધ જવાબદારીઓ સંભાળે છે. પોતાના જ પક્ષના સરપંચ સામે બળવો કરીને તેમને હટાવવાની ઘટનાએ ડાંગ ભાજપાની આંતરિક ખેંચતાણને જાહેર કરી દીધી છે.
હવે સમગ્ર જિલ્લાની નજર જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત અને સંગઠનના પ્રભારી રાજેશભાઈ દેસાઈ તરફ છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ અને શિસ્તભંગના આક્ષેપો વચ્ચે સંગઠન શું કાર્યવાહી કરે છે, તે આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનો કેન્દ્ર બનશે.




