ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે દાંતા-પાલનપુર સ્ટેટ હાઇવે પર માર્ગ મરામત કામગીરી પૂર્ણ

24 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મુમનવાસ પાસે વરસાદી પાણીના નિકાલ માટે સાઇડ ગટરની કામગીરી પણ શરૂ આગામી ભાદરવી પૂનમ મહામેળાને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાલનપુર દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા-પાલનપુર સ્ટેટ હાઇવે પર પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જરૂરી માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓ તેમજ વાહનચાલકોને સરળ અને સુરક્ષિત અવરજવર મળી રહે તે માટે વિભાગ દ્વારા સમયસર કામગીરી હાથ ધરવામાં આવી છે.દાંતા-પાલનપુર સ્ટેટ હાઇવે પર ક્વોરી વિસ્તારના ભારે વાહનોની સતત અવરજવરના કારણે માર્ગની સપાટીને થયેલા નુકસાનને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાલનપુર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત, મુમનવાસ ગામ નજીક મુખ્ય હાઇવે પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે સાઇડ ગટરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાલનપુર દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને વાહનવ્યવહારને સુગમ તથા સલામત બનાવવાના હેતુથી અસરકારક આયોજન કરવામાં આવ્યું છે.






