
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ખેતરોમાં પાણી ભરાયા,સાઠંબામાં દુકાનોમાં પાણી ઘુસ્યા ઇસરોલ ગામે હાઈવે પરનું વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. મોડાસા–માલપુર રોડ પર આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં તળાવ જેવા દૃશ્યો સર્જાયા હતા. સાકરિયા–ઝાલોદર વિસ્તારમાં પણ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ઉભા પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે.
સાઠંબા તાલુકામાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પીપળી બજાર વિસ્તારમાં કરિયાણાના વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભરચોમાસા દરમિયાન જ રસ્તાના કામો શરૂ કરાતા પાણીના નિકાલમાં અવરોધ ઉભો થયો છે, જેના કારણે વરસાદી પાણી રસ્તા અને દુકાનોમાં ઘૂસી ગયા હતા.
સાઠંબા નગરમાં પ્રવેશવાના બંને મુખ્ય માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા રેતી અને કપચીના ઢગલા કરવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મોટી ઇસરોલ ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મોડાસા–શામળાજી હાઈવે પરથી આવતું વરસાદી પાણી ગામમાં ઘૂસી જતાં રોડ સાઇડ પર આવેલા ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ગામમાં ગટર લાઇન ન હોવાના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા વર્ષોથી યથાવત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અનેક રજૂઆતો છતાં ગટર લાઇન મંજૂર ન થતા દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.સ્થાનિકોએ તાત્કાલિક વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ગટર લાઇનની કામગીરી મંજૂર કરવાની માંગ ઉઠાવી છે. પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે તો રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.





