KAMREJSURATSURAT CITY / TALUKO

ભારે વરસાદ વચ્ચે પોલીસની સંવેદનશીલ કામગીરી: સ્થળાંતર કરાયેલા પરિવારોની મુલાકાત લઈ અધિકારીઓએ આપ્યો વિશ્વાસ, તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું

સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વેલંજા વિસ્તારના અનેક પરિવારોને સલામતીના હેતુથી સ્થળાંતર કરીને વેલંજા પ્રાથમિક શાળા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આ પરિવારોની સુખાકારી, સુરક્ષા અને જરૂરી સુવિધાઓની સમીક્ષા કરવા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

મુલાકાત દરમિયાન સુરત શહેરના ડીસીપી લગધીરસિંહ ઝાલા, એસીપી પાર્થ ચોવટીયા, ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. આર. ગૌસ્વામી તથા ઉમરા પોલીસ ચોકીના પીએસઆઈ ડી.ડી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ સ્થળાંતર કરાયેલા પરિવારો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ, આરોગ્ય અને અન્ય જરૂરીયાતોની માહિતી મેળવી હતી. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સુવિધાઓ અંગે પણ વિગતવાર પૂછપરછ કરી જરૂરી વ્યવસ્થાઓ અંગે સૂચનાઓ આપી હતી.

આ પ્રસંગે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી ફૂડ પેકેટ અને અન્ય આવશ્યક રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ નાગરિકોને હિંમત આપતાં જણાવ્યું કે, આપત્તિની આ ઘડીમાં પોલીસ તંત્ર તેમની સાથે ખભે ખભા મિલાવી ઉભું છે અને જરૂરી તમામ સહાય સતત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્થળાંતર કરાયેલા પરિવારો અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રની સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી. ભારે વરસાદ જેવી આપત્તિમાં માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવતા અને સેવાભાવ સાથે લોકોની વચ્ચે રહી કામગીરી કરતી સુરત શહેર પોલીસની ભૂમિકાએ લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે.

આપત્તિના સમયમાં સુરત શહેર પોલીસની આ સેવાભાવી અને માનવતાપૂર્ણ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

 

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!