વેલંજા પ્રાથમિક શાળાની પાછળની દીવાલ પર વરસાદનું સંકટ, તાત્કાલિક પગલાંની માંગ

સુરત, વેલંજા: વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે વેલંજા પ્રાથમિક શાળા ક્રમાંક–379ની પાછળના ભાગમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે શાળાની પાછળની દીવાલ નબળી અને જર્જરિત બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. હાલની સ્થિતિને જોતા દીવાલ કોઈપણ સમયે ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે જાગૃત નાગરિક વૈભવભાઈ ભંડેરી દ્વારા વહીવટી તંત્રનું ધ્યાન દોરી તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સમારકામ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે અને કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તે પહેલાં જ તંત્રએ જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવી જરૂરી છે.
સ્થાનિક નાગરિકોએ પણ શાળાની પાછળની દીવાલનું તાત્કાલિક સમારકામ કરવા, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ સમગ્ર પરિસરની સુરક્ષાની સમીક્ષા કરવાની માંગ ઉઠાવી છે. સમયસર કાર્યવાહી કરવામાં આવશે તો મોટી દુર્ઘટના ટાળી શકાશે તેવી લોકમાગ ઉઠી રહી છે.
રિપોર્ટર કલ્પેશ જામેલીયા કામરેજ સુરત







