AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદ જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ, અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી રાહત કામગીરી તેજ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ અને સતર્ક બન્યું છે. નાગરિકોની સુરક્ષા, જાનમાલની સલામતી અને આવશ્યક સેવાઓ અવિરત જળવાઈ રહે તે માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખી જરૂરી સ્થળોએ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

શેલા વિસ્તારમાં આવેલી ઈન્દિરા આવાસ યોજનામાં વરસાદની અસરને ધ્યાનમાં રાખીને 36 જેટલા અસરગ્રસ્ત નાગરિકોને સલામત રીતે શેલા પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્યાં રહેવાની, ભોજન, પીવાના શુદ્ધ પાણી, સ્વચ્છતા તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આશ્રયસ્થળની સતત મુલાકાત લઈને નાગરિકોની જરૂરિયાતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ તમામ નાગરિકો સુરક્ષિત હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

જિલ્લાના વિવિધ માર્ગો પર વરસાદના કારણે સર્જાયેલી અવરજવર સંબંધિત સમસ્યાઓનો પણ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો છે. સાણંદ–નળસરોવર માર્ગ તેમજ વિરમગામ તાલુકાના વનથલ–જાલમપુરા રોડ પર ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગોની ટીમો સ્થળ પર પહોંચી વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ઝડપી કામગીરીના પરિણામે બંને માર્ગો પર વાહનવ્યવહાર ટૂંકા સમયમાં પૂર્વવત કરવામાં આવ્યો હતો અને હાલ અવરજવર સામાન્ય રીતે ચાલુ છે.

સાણંદ–બાવળા હાઇવે પર વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગ પર પાણીનો નિકાલ અવરોધિત થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ, અમદાવાદ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ડિવાઈડરના જરૂરી ભાગને ખોલી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિણામે માર્ગ પર ભરાયેલું પાણી ઝડપથી ઓસર્યું અને વાહનવ્યવહારને સરળ બનાવવામાં સફળતા મળી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બને તે માટે નિયંત્રણ કક્ષાઓ કાર્યરત રાખવામાં આવી છે. જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે અધિકારીઓને સતત ફિલ્ડમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળો પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સતત સંકલન સાધીને જનજીવન પર વરસાદની અસર ઓછી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા, સત્તાવાર હવામાન સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સરકારી હેલ્પલાઇન અથવા સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિનો ઝડપથી સામનો કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કાર્યરત રાખવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!