GUJARATMAHISAGARSANTRAMPUR

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ સમીક્ષા કરી.

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ સમીક્ષા કરી.

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

 

જિલ્લામાં સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વતૈયારીઓનો તાગ મેળવવા મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ગુરુવારની મોડી રાત્રે લુણાવાડા સ્થિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (District Emergency Operation Centre – DEOC) ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરેકંટ્રોલ રૂમ ખાતેથી જિલ્લાની હાલની વરસાદી સ્થિતિ, વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી-નાળા અને જળાશયોની જળસપાટી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે હાલ ૨૪ કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક તાલુકા કક્ષાએથી મળતી માહિતીનું હેડક્વાર્ટર સાથે સતત સંકલન ચાલુ છે.

કલેક્ટરે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને સતત સતર્ક રહીને કામગીરી જાળવી રાખવા તેમજ કોઈપણ સ્થળેથી વરસાદજન્ય સમસ્યાની જાણ થાય તો તેના પર ત્વરિત કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના ગામો અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ તકેદારી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો.

જિલ્લાવાસીઓને કલેક્ટરે વિશેષ અપીલ કરતા જણાવ્યું છે કે,ભારે વરસાદ દરમિયાન નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી,પાણી ભરાયેલા રસ્તાઓ અને ધસમસતા વહેતા પાણીમાંથી વાહન કે ચાલીને પસાર થવાનું જોખમ ન ખેડવું, જિલ્લા તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સત્તાવાર માર્ગદર્શિકા અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી અફવાઓ અથવા અપ્રમાણિત માહિતી પર બિલકુલ વિશ્વાસ ન કરવો અને માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ આધાર રાખવો.

જિલ્લામાં વરસાદી આપત્તિ સંબંધિત કોઈપણ પ્રકારની જાણકારી આપવા અથવા તાત્કાલિક મદદની આવશ્યકતા ઊભી થાય તો નાગરિકોને વિના સંકોચે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!