
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી કચ્છ યુનિવર્સિટીના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ કેરા શિવ મંદિરને સ્કેચમાં કંડાર્યું.
ભુજ ,તા-૨૪ જુલાઈ : કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ અધિક્ષકની કચેરી દ્વારા એક આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ કેરા ગામ સ્થિત આશરે ૧૦મી-૧૧મી સદીના અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક અને પુરાતત્વીય વારસા સમાન શિવ મંદિરની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ ત્યાં જઈને આ પ્રાચીન મંદિરના સ્થાપત્યને બારીકાઈથી નિહાળી તેનું લાઈવ સ્કેચિંગ કર્યું હતું.આ લાઇવ સ્કેચિંગનો મુખ્ય હેતુ કેરા શિવ મંદિરના મૂળ સ્વરૂપનું કલાત્મક દસ્તાવેજીકરણ કરવાનો છે. ભવિષ્યમાં જ્યારે પણ આ ઐતિહાસિક શિવ મંદિરના જીર્ણોદ્ધાર (રિનોવેશન)ની કામગીરી હાથ ધરવામાં આવશે, ત્યારે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આ સ્કેચ એક મહત્વપૂર્ણ માર્ગદર્શક દસ્તાવેજ તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સ્થાપત્યની જાળવણી માટે આ પ્રકારનું દસ્તાવેજીકરણ અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ અને સ્કેચને આગામી સમયમાં કચ્છ મ્યુઝિયમના એક્ઝિબિશન હોલમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાથી માહિતગાર કરી, લોકોમાં ઈતિહાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો બની રહેશે.આ સમગ્ર આયોજન પુરાતત્વ વિભાગ, મ્યુઝિયમ અને કલા જગતના અગ્રણી નિષ્ણાતો તેમજ માર્ગદર્શકોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં કચ્છ સર્કલ (ભુજ)ના અધિક્ષક પુરાતત્વવિદ ડૉ. આદિત્ય સિંહ, પુરાતત્વ વિભાગના જયપાલ જાડેજા, કચ્છ મ્યુઝિયમના ક્યૂરેટર ડૉ.મહેન્દ્રસિંહ સુરેલા, કચ્છ યુનિવર્સિટીના ફાઇન આર્ટ ડિપાર્ટમેન્ટના ડીન ડૉ. કાશ્મીરા મહેતા તેમજ શ્રી નવીન સોની, જીગર સોની અને રત્નેશ પાંડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.




