DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ પાલિકામાં ૧૦ મિનિટની સામાન્ય સભામાં ૫૯ એજન્ડા મંજૂર, વિપક્ષનો ભારે હંગામો

તા.૨૪.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

​dahod:દાહોદ પાલિકામાં ૧૦ મિનિટની સામાન્ય સભામાં ૫૯ એજન્ડા મંજૂર, વિપક્ષનો ભારે હંગામો

દાહોદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે વિરોધ:વિપક્ષના હંગામા વચ્ચે સર્વાનુમતે ૫૯ એજન્ડા મંજૂર કરાયા.કોંગ્રેસનો આરોપ સામાન્ય સભા નગરના હિત માટે કે ચેરમેન બનાવવા માટે? દાહોદ નગરપાલિકાની પ્રથમ ટર્મની પહેલી જ સામાન્ય સભા શરૂઆતથી જ વાદ-વિવાદ અને ભારે હંગામાની ભેટ ચડી ગઈ હતી. લોકશાહીના મંચ પર પ્રજાના પ્રાણપ્રશ્નોની ચર્ચા થવાને બદલે માત્ર ૧૦ જ મિનિટમાં ૫૯ જેટલા એજન્ડા સર્વાનુમતે મંજૂર કરી બોર્ડ આટોપી લેવાતા વિપક્ષે શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે સણસણતા આક્ષેપો કર્યા છે. દાહોદ નગરપાલિકાની પ્રથમ ટર્મની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં નગરના વિકાસ કામો, પાલિકાને લગતા અન્ય મુદ્દાઓ તેમજ નવનિર્વાચિત કાઉન્સિલરોને વિવિધ સમિતિઓની ચેરમેનશીપ સોંપવા સહિત કુલ ૫૯ જેટલા એજન્ડા મુકવામાં આવ્યા હતા.​જો કે, સભા શરૂ થતાંની સાથે જ શાસક ભાજપના ૨૦ જેટલા કાઉન્સિલરો અને પ્રમુખ દ્વારા તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે માત્ર પોતાના કાઉન્સિલરોને ચેરમેન પદો વહેંચવા માટે જ આ સભા યોજવામાં આવી હતી અને પ્રજાના કોઈ જ પ્રશ્ને ચર્ચા કરવા દીધી નહોતી.​વિરોધ પક્ષના નેતા, ઉપનેતા અને કોંગ્રેસના કાઉન્સિલરોએ બોર્ડની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગંભીર આરોપો લગાવ્યા હતા કે દાહોદ શહેરમાં આજે પણ ૪ થી ૫ દિવસે માંડ પીવાનું પાણી મળે છે. ‘અમૃત ૨.૦’ યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાં અનેક વોર્ડના લોકો પાણી માટે તરસતા રહે છે. શહેરમાં રખડતા પશુઓ, આખલાઓ, હડકાયા કુતરાઓનો ત્રાસ અને બિસ્માર રોડ-રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ છે.અગાઉના બોર્ડમાં જે વોર્ડના રસ્તાઓ મંજૂર થઈ ચૂક્યા હતા, તેના ઠરાવો ના મંજૂર કરી, તેમાં ફેરફારો કરીને નવી ટર્મમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે આ ગંભીર મુદ્દાઓ પર કોંગ્રેસ પક્ષે પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે જવાબ માંગ્યો, ત્યારે ભાજપના સભ્યોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવી વિપક્ષનો અવાજ દબાવી દીધો હતો.​વિપક્ષે ચીફ ઓફિસર પર સભામાંથી ઉભી પૂંછડીએ ભાગી જવાનો અને ચર્ચાથી મોં છુપાવવાનો સીધો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે વધુમાં આરોપ લગાવતા જણાવ્યું હતુંકે આ સભા નગરજનો માટે હતી કે ચેરમેનપદો વહેંચવા માટે? અમે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે દાહોદના વિકાસમાં સહભાગી બનવા અને આગામી આયોજન પર ચર્ચા કરવા માગતા હતા. પરંતુ ૧૦ મિનિટમાં માત્ર પોતાના સભ્યોને ચેરમેન બનાવીને બોર્ડ વખેરી નાખવામાં આવ્યું પ્રજાની સુખાકારી માટે ક્યાં, શું અને ક્યારે કામ થશે તેનું કોઈ આયોજન આપવા પાલિકા તંત્ર પાસે સમય જ નથી.​દાહોદની જનતાએ વિશ્વાસ મૂકીને કાઉન્સિલરોને પાલિકામાં મોકલ્યા છે, પરંતુ પ્રથમ જ સામાન્ય સભામાં જે રીતે પ્રજાના પ્રશ્નોને નેવે મૂકીને માત્ર ૧૦ મિનિટમાં ૫૯ એજન્ડા પાસ કરી દેવાયા, તેનાથી નગરજનોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ આકરા પ્રહારો અને જનતાની પાણી-રસ્તાની બૂમો સામે પાલિકા તંત્ર કોઈ નક્કર કામગીરી દર્શાવે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બને છે

Back to top button
error: Content is protected !!