ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ, શામળાજીના બે શખ્સ સામે ગુનો નોંધાયો – વાંકાટીંબાનો શક્સ ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ, શામળાજીના બે શખ્સ સામે ગુનો નોંધાયો – વાંકાટીંબાનો શક્સ ઝડપાયો

અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા ‘મ્યુલ એકાઉન્ટ’ મામલે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. શામળાજી તાલુકાના વાંકાટીંબા ગામના બે શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ પ્રવિણસિંહ તેજસિંહ બિહોલાના સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ખાતા નંબર 0000615100018396 નો છેલ્લા અંદાજે દોઢ વર્ષથી સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતામાં ગુજરાત અને પશ્ચિમ બંગાળમાંથી નોંધાયેલી કુલ ત્રણ NCCRP ફરિયાદોના આધારે રૂ. 8,05,350 જેટલી સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી.સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ બેંક ખાતું વર્ષ 2010માં પ્રવિણસિંહ બિહોલાના નામે ખોલાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં ડેરીના દૂધ પરિવહનના ટેન્ડર માટે આ ખાતાનો ઉપયોગ થતો હતો અને બાદમાં તેનો વહીવટ ગજેન્દ્રસિંહ દુર્ગનારાયણસિંહ બિહોલા સંભાળતા હતા.આગળની તપાસમાં સામે આવ્યું કે ગજેન્દ્રસિંહે પોતાના સંબંધી રવિન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણને કમિશનની લાલચે ખાતાની ચેકબુક, પાસબુક અને મોબાઇલ નંબર સહિત સમગ્ર નિયંત્રણ સોંપી દીધું હતું. ત્યારબાદ આ ખાતામાં સાયબર ફ્રોડથી પ્રાપ્ત થયેલી રકમ જમા કરી રોકડ ઉપાડવામાં આવતી અથવા ઓનલાઇન અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે પોતાનું બેંક ખાતું સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવી ગુનાહિત પ્રવૃત્તિમાં મદદગારી કરી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અરવલ્લી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!