MORBI RAJKOT મોરબી-રાજકોટ હાઇવે બન્યો ‘ડિસ્કો રોડ’: મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ, તંત્રની ઘોર ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ

MORBI RAJKOT મોરબી-રાજકોટ હાઇવે બન્યો ‘ડિસ્કો રોડ’: મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ, તંત્રની ઘોર ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ
ઔદ્યોગિક નગરી મોરબીને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સાથે જોડતો મુખ્ય હાઇવે રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા મસમોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનો ખાડાઓમાં ગરકાવ થતાં રસ્તો ‘ડિસ્કો ડાન્સર’ જેવો બની ગયો છે. દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને આસપાસના ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તા પરના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખાડા કેટલા ઊંડા છે તેનો અંદાજ લગાવવો વાહનચાલકો માટે મુશ્કેલ બની ગયો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને વાહનોને પણ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
મોરબી એક મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ હાઇવે પરથી દરરોજ માલ-સામાન ભરેલા ભારે વાહનોની મોટા પાયે અવરજવર રહે છે. રસ્તાની નબળી ગુણવત્તા અને ભારે વાહનોના ટ્રાફિકને કારણે સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે.
“સ્થાનિકો અને વાહનચાલકોનો આરોપ છે કે તંત્ર દ્વારા આ બિસ્માર રસ્તા અંગે સંપૂર્ણ ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી સમારકામની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકો સખત શબ્દોમાં માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક જાગે અને વહેલામાં વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરાવે, જેથી રોજિંદી યાતનાઓ અને અકસ્માતોમાંથી મુક્તિ મળી શકે.”








