AHAVADANG

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પર સંરક્ષણ દીવાલ ધરાશાયી,સાપુતારા ઘાટમાર્ગ બન્યો વાહનચાલકો માટે જોખમી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદ વચ્ચે યુટર્ન પર સંરક્ષણ દિવાલ તૂટી પડતા માર્ગ અત્યંત જોખમી..

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાપુતારા નજીક આવેલા યુટર્ન વળાંક પર આવેલ સંરક્ષણ દિવાલ ધોધમાર વરસાદ વચ્ચે ધરાશાયી થઈ ગઈ છે.સુરક્ષા દિવાલ તૂટી પડતા આ ઘાટમાર્ગ હવે અત્યંત જોખમી બની ગયો છે અને કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.સાપુતારા વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ઘાટમાર્ગના અનેક સ્થળોએ માટીનો મલબો તથા પથ્થરો ધસી પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સૌથી ગંભીર સ્થિતિ યુટર્ન વળાંક પર સર્જાઈ છે, જ્યાં સુરક્ષા વોલ સંપૂર્ણપણે કડકભૂસ થઈ જતાં માર્ગની સુરક્ષા જ ખોરવાઈ ગઈ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો આ સ્થળે કોઈ ભારે વાહનનો બ્રેક નિષ્ફળ જાય તો વાહન સીધું ખીણમાં ખાબકી શકે છે. વધુ વરસાદ પડવાની સ્થિતિમાં માર્ગનું વધુ ધોવાણ થવાની અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે અવરોધિત થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ચોમાસુ શરૂ થતા જ ઘાટમાર્ગનાં ખીણ વિસ્તારમાં જમીન પોચી બનતા આ ઘટનાઓ બની રહી છે.આ બાબતની જાણ  ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમને થતા તંત્રની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી.અને આ સ્થળે સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવાયા હતા.ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા વાહન વ્યવહાર પૂર્વરત રહે તે માટે જ્યાં સુરક્ષા દિવાલ કડકભૂસ થઈ હતી આ સ્થળે તુરંત જ જેસીબી જેવા સાધનો વડે વૈકલ્પિક વ્યવસ્થાની તજવીજ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!