
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના નડગખાદી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડાઓની સતત અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દરરોજ સાંજે આશરે 8 વાગ્યાના સમયે જંગલ વિસ્તારમાંથી બે દીપડાઓની જોડી માનવ વસાહતની નજીક શિકારની શોધમાં આવતી હોવાનું જોવા મળી રહ્યું હતું.
દીપડાઓની વધતી અવરજવરને કારણે ગ્રામજનોમાં ભય વ્યાપતા સ્થાનિક સરપંચ દ્વારા ચીચીનાગાવઠાં રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
RFOના માર્ગદર્શન હેઠળ પીંપરી બીટના બીટ ફોરેસ્ટર અપ્સાનાબેન અને વન વિભાગની ટીમ દ્વારા આજે નડગખાદી ગામમાં માનવ વસાહતની નજીક દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે.
વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળે, બાળકો અને પશુધન પર ખાસ નજર રાખે તેમજ દીપડો દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરે અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે.
વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગ્રામજનોએ પણ વન વિભાગની કામગીરીને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.





