દિયોદર GIDC વસાહતમાં ઉપરવાસનું પાણી ફરી વળતા ઉદ્યોગોને ભારે અસર

દિયોદર GIDC વસાહતમાં ઉપરવાસનું પાણી ફરી વળતા ઉદ્યોગોને ભારે અસર
પ્રતિનિધિ : દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદરમાં છેલ્લા 24 કલાકથી સત પડેલા ભારે વરસાદના કારણે આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.
ઉપરવાસના ગામોમાંથી આવતા વરસાદી પાણીનો પ્રવાહ દિયોદર GIDC વસાહત તરફ વળતા સમગ્ર GIDC વિસ્તારમાં પાણી-પાણી થઈ ગયા છે. પાણીનો પ્રવાહ વધતા GIDCમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા અનેક ઉદ્યોગો ઠપ થઈ ગયા છે.
પાણી ભરાઈ જવાના કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર માલને ભારે નુકસાન થવાની ભીતિ ઉદ્યોગકારોમાં છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે.
આ બાબતે GIDCના પ્રમુખ જયંતીભાઈ દોશીએ જણાવ્યું કે, “ઉપરવાસમાંથી પાણી GIDC તરફ આવી રહ્યું છે. આખા GIDCમાં પાણી ફરી વળતા ઉદ્યોગોને ભારે સમસ્યા સર્જાઈ છે. આ અંગે અગાઉ પણ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી કોઈ નિવારણ આવ્યું નથી.”
સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય નહીં તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
હાલ સમગ્ર GIDC વિસ્તારમાં ઉદ્યોગો બંધ રહેતા આર્થિક નુકસાનનો ભય સેવાઈ રહ્યો છે.





