AHAVADANGGUJARAT

ભારે વરસાદ બાદ ડાંગ માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી ગણતરીના કલાકોમાં ફરી ધમધમ્યા વાહનવ્યવહાર

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

 

૧૦ ઇમરજન્સી ટીમો, ૧૨ જેસીબી, ૫ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકો ૨૪ કલાકથી મેદાનમાં

ડાંગ જિલ્લામાં ગત રોજ પડેલા મુશળધાર વરસાદના પગલે અનેક મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે આહવા–નવાપુર રોડ અને આહવા–ચિંચલી બાબુલઘાટ રોડ સહિતના વિસ્તારોમાં માઈનોર ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જોકે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), આહવાએ ઝડપી અને સુનિયોજિત કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ રસ્તાઓ પરથી મલબો, માટી અને વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરી દીધો હતો.

ભારે વરસાદ વચ્ચે પણ નાગરિકોની સલામતી અને પરિવહન વ્યવસ્થા અવિરત જળવાઈ રહે તે માટે વિભાગ દ્વારા ૨૪ કલાક ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્ડ સ્ટાફ સતત વિવિધ માર્ગોનું નિરીક્ષણ કરી રહ્યો છે અને જ્યાં પણ રસ્તા પર પાણી ભરાય, ભૂસ્ખલન થાય કે વૃક્ષો ધરાશાયી થાય ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગ અને મકાન વિભાગે જિલ્લામાં ૧૦ ઇમરજન્સી ટીમો તૈનાત કરી છે. કામગીરીમાં ૧૨ જેસીબી મશીનો, ૫ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકો સતત કાર્યરત રહી માર્ગોને સલામત અને અવરજવરલાયક બનાવવાના પ્રયાસોમાં જોડાયેલા છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઈજનેર શ્રી કેતન કુંકણાએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના વધુ પ્રવાહને કારણે ઓવરટોપિંગ થયેલી રોડ સાઈડ ગટરોને ખુલ્લી કરવી, ભૂસ્ખલનથી રસ્તા પર ધસી આવેલા માટી-પથ્થરો દૂર કરવા તેમજ ધરાશાયી થયેલા વૃક્ષો અને વીજળીના થાંભલાઓ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિભાગ સતત એલર્ટ મોડમાં રહેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરાશે. માર્ગ અને મકાન વિભાગે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, સાવચેતીપૂર્વક વાહન ચલાવવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. સતત દેખરેખ રાખીને માર્ગ વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વિભાગ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!