AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદ ધીમો પડતા દિવસ દરમ્યાન હજુ 13 જેટલા કોઝવેકમ પુલો પાણીમાં ગરક..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં 13 માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ રહેતા 20 જેટલા ગામો પ્રભાવિત.

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બે દિવસ પૂર્વે બારે મેઘ ખાંગા થતા ડાંગી જનજીવન પર માઠી અસર પોહચી હતી.ગુરુવારે ભારે વરસાદ જ્યારે શુક્રવારે વરસાદે પોરો ખાતા ડાંગનું જનજીવન ફરી ધબકતુ જોવા મળ્યુ હતુ. જેમાં શનિવારે ફરી ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શનિવારે સવારથી જ મધ્યમ સ્વરૂપનો વરસાદ યથાવત રહેતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદી સતત ત્રીજા દિવસે ગાંડીતુર હાલતમાં જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદનાં પગલે પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં કુલ 13 માર્ગો ઓવરટોપિંગના કારણે અસ્થાયી રીતે બંધ થયેલ છે. જેમાં વઘઈ તાલુકાના 11 માર્ગો પૈકી (1) ખાતળ ફાટક–ઘોડી રોડ, (2) ગોદડિયા–પાંઢરમાળ રોડ, (3) માછલી–ચિખલા–દિવડયાવન રોડ, (4) વાંઝટઆંબા–કોયલીપાડા રોડ, (5) મેઇન રોડ–આંબાપાડા–ચિંચપાડા–ઉગા રોડ, (6) આહેરડી–બોરદહાડ રોડ, (7) ઘોડવહળ વી.એ. રોડ, (8) ઘાંગડી–કાનાત ફળિયા રોડ, (9)મોટીદાબદર–લહાનદાબદર–નાનાપાડા રોડ, (10) સુસરદા વી.એ. રોડ તથા (11) ભદરપાડા–ચિચોંડ રોડનો સમાવેશ થાય છે. આહવા તાલુકામાં ચીકટિયા થી વાઘમાળ ફળિયા રોડ અને સુબીર તાલુકામાં કાકડવિહિર–ખેરિન્દ્રા–ચમારપાડા રોડ ઓવરટોપિંગના કારણે અસ્થાયી રીતે બંધ કરવામાં આવેલ છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલનાં વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. તો બીજી તરફ વઘઇ બોટનીકલ ગાર્ડન,વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 45 મિમી અર્થાત 1.8 ઈંચ, વઘઇ પંથકમાં 46 મિમી અર્થાત 1.84 ઈંચ, સુબિર પંથકમાં 58 મિમી અર્થાત 2.32 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 88 મિમી અર્થાત 3.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!