
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૭ જુલાઈ : હિપેટાઇટિસ જેવા ગંભીર વાયરસજન્ય રોગ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “Let’s Break It Down” થીમ હેઠળ હિપેટાઇટિસ અંગેની ગેરસમજો દૂર કરી સમયસર તપાસ, રસીકરણ અને સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.કચ્છ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ક્ષય અધિકારી અને એઇડ્સ નિયંત્રણ અધિકારીના સંકલન અને દેખરેખ હેઠળ જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે જનજાગૃતિ રેલી, આરોગ્ય શિક્ષણ, IEC પ્રવૃત્તિઓ, હેલ્થ ટોક, માર્ગદર્શન કાર્યક્રમો તેમજ હિપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.હિપેટાઇટિસ એ યકૃત (લિવર)ને અસર કરતો ગંભીર વાયરસજન્ય ચેપ છે. હિપેટાઇટિસ-A અને E મુખ્યત્વે દૂષિત પાણી અને ખોરાકના સેવનથી ફેલાય છે, જ્યારે હિપેટાઇટિસ-B અને C સંક્રમિત લોહી, અસુરક્ષિત સોય-સિરીંજનો ઉપયોગ, યોગ્ય તપાસ વગરનું લોહી ચઢાવવાથી, સંક્રમિત માતાથી નવજાત શિશુમાં, અસુરક્ષિત જાતીય સંબંધો તેમજ રેઝર, ટૂથબ્રશ અને અન્ય વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓના સહિયારા ઉપયોગથી ફેલાઈ શકે છે.આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ટેટૂ કરાવતા અથવા કાન-નાક વીંધાવતા સમયે માત્ર નવી અને જંતુમુક્ત સોય તેમજ સ્વચ્છ શાહીનો જ ઉપયોગ થાય તેની ખાતરી કરવી. ઇન્જેક્શન માટે હંમેશા ડિસ્પોઝેબલ સોયનો ઉપયોગ કરવો, માત્ર તપાસ કરાયેલ સુરક્ષિત લોહી જ ચઢાવવું તથા વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓ અન્ય સાથે વહેંચવી નહીં.નિષ્ણાતોના જણાવ્યા મુજબ હિપેટાઇટિસના ઘણા દર્દીઓમાં શરૂઆતના તબક્કે કોઈ લક્ષણો દેખાતા નથી. જોકે લાંબા સમય સુધી થાક લાગવો, ભૂખ ન લાગવી, તાવ, ઉબકા, પેટમાં દુખાવો, પેશાબ પીળો થવો તેમજ આંખો અને ચામડી પીળી પડવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવી જરૂરી છે. તમામ સગર્ભા માતાઓએ હિપેટાઇટિસ-બીની તપાસ નજીકના આરોગ્ય કેન્દ્રમાં અવશ્ય કરાવવી, જેથી માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે કે હિપેટાઇટિસ-બી સામે સુરક્ષિત અને અસરકારક રસી ઉપલબ્ધ છે, જે ગંભીર ચેપ સામે રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમયસર રસીકરણ, નિયમિત તપાસ, સ્વચ્છતા અને યોગ્ય સારવાર દ્વારા હિપેટાઇટિસને નિયંત્રિત કરી શકાય છે તેમજ લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી ગંભીર જટિલતાઓથી પણ બચી શકાય છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ નાગરિકોને આ જનજાગૃતિ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો છે. જિલ્લા ક્ષય અધિકારી તથા એઇડ્સ નિયંત્રણ અધિકારીએ હિપેટાઇટિસ અંગેની ગેરસમજો દૂર કરવા, સમયસર તપાસ કરાવવા, હિપેટાઇટિસ-બીનું રસીકરણ કરાવવા તેમજ “Let’s Break It Down”ના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવા અપીલ કરી છે, જેથી હિપેટાઇટિસ મુક્ત અને સ્વસ્થ કચ્છના નિર્માણમાં સૌનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.


