HALVAD:હળવદના મંગળપુરની સીમમાં થાંભલા કાઢવા બાબતે સશસ્ત્ર ધીંગાણું

HALVAD:હળવદના મંગળપુરની સીમમાં થાંભલા કાઢવા બાબતે ધીંગાણું: પિતાના માથામાં ૬ ટાંકા આવ્યા, પુત્ર-ભત્રીજાને ઢોર માર
હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે રોપેલા થાંભલા ઉપાડવા જેવી નજીવી બાબતે સરાજાહેર સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હોવાનો બનાવ સામે આવ્યો છે. બચાવવા વચ્ચે પડેલા પિતાના માથામાં લાકડી વાગતાં ૬ ટાંકા આવ્યા છે, જ્યારે પુત્ર અને ભત્રીજાને પણ ઢોર માર મરાયો છે. આ મામલે વેગડવાવ ગામના એક જ પરિવારની બે મહિલાઓ સહિત ૫ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, વેગડવાવ ગામે રહીને ખેતીકામ કરતા છગનભાઈ પોપટભાઈ કણઝારીયા (ઉં.વ. ૪૦) પોતાના ખેતરના શેઢે નાખેલા થાંભલા આરોપી ગોરધનભાઈ મોહનભાઈ સોનગ્રા અને ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ સોનગ્રા કાઢી રહ્યા હતા. આથી છગનભાઈના પુત્ર ગૌતમે થાંભલા કાઢવાની ના પાડતાં આરોપીઓ ગાળો આપી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા.
દરમિયાન છગનભાઈ પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડતાં આરોપી વાસુદેવભાઈ મોહનભાઈ સોનગ્રાએ તેમના માથામાં લાકડીનો ફટકો મારતાં ગંભીર ઈજા થઈ હતી અને ૬ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીના ભત્રીજા પ્રવિણભાઈને પીઠના ભાગે લાકડી મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. જ્યારે આરોપી કાન્તાબેન વાસુદેવભાઈ સોનગ્રા અને રમીલાબેન ધર્મેન્દ્રભાઈ સોનગ્રાએ ફરિયાદીના પુત્રને કોણી મારી નાક તથા ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે છગનભાઈ કણઝારીયાએ વેગડવાવના પાંચેય આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








