કાલોલ પોલીસનું રેકોર્ડબ્રેક ઓપરેશન:પોલીસે ઝડપ્યું 685 કિલો માંસ અને બચાવ્યા 13 જીવંત ગૌવંશ, 22 શખ્સોની અટકાયત 6 વોન્ટેડ.

તારીખ ૨૮/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સોમવારે એક તરફ કાલોલ સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૌરક્ષા અને સંવર્ધન માટે યોગ્ય સરકારી નીતિઓ નિર્ધારિત કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓએ સહીઓ કરીને પોતાનું સમર્થન આપ્યું હતું. લોકોએ એકસૂર થઈને સરકાર સમક્ષ ગૌસંરક્ષણ માટે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ બુલંદ કરી હતી.જોકે, બીજી તરફ કાલોલના કસ્બા અને સડક ફળિયાના વાડો ગણાતા વિસ્તારમાં બહુમતી સમાજની ધાર્મિક લાગણીઓને દુભાવીને ચાલતા ગેરકાયદેસર ગૌવંશ કતલખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો.કાલોલ શહેરમાં કચેરી રોડ પર આવેલ અર્બન દવાખાના પાછળના કસ્બા વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ગૌવંશના કતલખાના પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખાનગી બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડીને ૨૨ જેટલા આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા છે.કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર ડી ભરવાડને ચોક્કસ બાતમીના આધારે ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે આશરે ૦૯:૦૦ વાગ્યે બે સ્વતંત્ર પંચોને સાથે રાખી સડક ફળીયા/કસ્બા વિસ્તારમાં આવેલ જુલેખાબાનુ ઉર્ફે જુલી હબીબ બેલીમના રહેણાકી મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં દરોડા દરમિયાન ઘરમાં ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ અને પેકિંગ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસની ટીમ ઘરમાં પ્રવેશતા જ અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સ્થળ પર હાજર ૪ પુરુષો અને ૧૮ મહિલાઓ સહિત કુલ ૨૨ આરોપીઓને ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:ગૌમાસ: ૬૮૫ કિલોગ્રામ ગૌમાસ (કિંમત રૂ. ૧,૩૭,૦૦૦).નિર્દયતાથી ટૂંકા દોરડાથી બાંધી રાખેલા ૧૩ જીવંત બળદો (કિંમત રૂ. ૧,૯૫,૦૦૦).રોકડ રકમ: કબાટ અને અંગઝડતીમાંથી મળી આવેલ રૂ. ૨,૨૯,૯૩૦ ની રોકડ રકમ,મોબાઈલ ફોન, ગૂગલ પે ઓનલાઈન સ્કેનર્સ, ડિજિટલ વજન કાંટા, કતલ કરવાના તીક્ષ્ણ હથિયારો (છરીઓ, છરા, પારીયા), લાકડાના ઢીબલા, પ્લાસ્ટિકની ડોલ તથા થેલીઓ. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૫,૯૮,૩૫૨/- આંકવામાં આવી છે.કતલ કરાયેલ માંસ ગૌવંશનું જ છે કે કેમ તેની ખાતરી કરવા માટે વેટરનરી ઓફિસર ડૉ. રૂચિત પટેલને બોલાવી પ્રાથમિક તપાસ કરાવાઈ હતી અને સેમ્પલ લઈ વધુ એફ.એસ.એલ. (FSL) પરીક્ષણ અર્થે સુરત ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યાં સ્થળ પરથી મુક્ત કરાવવામાં આવેલ ૧૩ જીવંત બળદોને સુરક્ષિત રીતે ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કબ્જે કરાયેલ ૬૮૫ કિલો ગૌમાસનો કાલોલ નગરપાલિકાની જેસીબીની મદદથી સરકારી ગૌચર જમીનમાં ઊંડો ખાડો ખોદી, મીઠું નાખી કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો આ ગુનામાં કુલ ૨૮ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી ૨૨ આરોપીઓની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે. જ્યારે ગૌવંશ સપ્લાય કરનાર તથા નક્કામો કચરો ફેંકવા ગયેલ અન્ય ૬ આરોપીઓ હાજર મળી ન આવતા તેઓને વૉન્ટેડ જાહેર કરાયા છે. તમામ આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-૨૦૧૭ ની કલમ ૮(૨), ૫, ૬(બી), ૧૦ ધી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(આઈ) ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૨૫ ગુજરાત પોલીસ એક્ટ ની કલમ ૧૧૯ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કેસની આગળની વધુ તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આર. મોહનીયા ચલાવી રહ્યા છે.








