ધોધમાર વરસાદમાં ભૂલા પડેલા વૃદ્ધાને પરિવાર સાથે મિલાવતી ૧૮૧ અભયમ ગોધરા ટીમ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામ નજીક મુસળધાર વરસાદ વચ્ચે રસ્તા પર એકલા અટૂલા બેસેલા ૭૦ થી ૭૫ વર્ષના વૃદ્ધા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ તારણહાર સાબિત થઈ છે. વરસાદમાં કાલ રાતથી ભીંજાઈ રહેલા અને ઠંડીથી ઠૂંઠવાતા આ માજીને ૧૮૧ ગોધરાની ટીમે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી દાખવીને સહી-સલામત તેમના પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઘટનાની વિગત મુજબ, શહેરા તાલુકાના એક ખેડૂત પોતાના ખેતરે ફેરો મારવા ગયા હતા ત્યારે તેમણે બાવળના ઝાડ નીચે વરસાદમાં બેઠેલા એક નિરાધાર વૃદ્ધાને જોયા હતા. સતત ભીંજાવાને કારણે વૃદ્ધાની હાલત કફોડી જણાતા ખેડૂતે તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી હતી. કોલ મળતા જ ગોધરા ૧૮૧ અભયમની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે માજીનું શાંતિપૂર્વક કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા તેમણે પોતાનું વતન ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું હોવાનું જણાવ્યું હતું.ગોધરા અભયમ ટીમે વગર વિલંબે ઠાસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને માજીએ જણાવેલ સરનામું કન્ફર્મ કરાવ્યું હતું અને તેના આધારે તેમના પરિવારજનોનો સંપર્ક મેળવ્યો હતો. વૃદ્ધાના પરિવારે તેમને લેવા આવવાની સંમતિ દર્શાવતા ૧૮૧ ની ટીમે વધુ રાહ જોયા વિના માજીને ગાડીમાં બેસાડી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા તરફ પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન સામેથી ચારપૈડાં વાહન લઈને નીકળેલા પરિવારજનોને રસ્તામાં જ માજીનો સહી-સલામત કબજો સોંપવામાં આવ્યો હતો.અભયમ ટીમે પરિવારજનોને ટકોર કરી હતી કે માજીની ઉંમર વધુ હોવાથી તેઓ આ રીતે વરસાદમાં એકલા ઘરની બહાર ન નીકળી જાય તે બાબતે વિશેષ ધ્યાન રાખવું. આવી કપરી અને ગંભીર પરિસ્થિતિમાં પોતાના સ્વજનને હેમખેમ શોધીને ઘરે પહોંચાડવા બદલ પરિવારજનોએ ૧૮૧ અભયમ ગોધરા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.







