પૂર્વ પ્રેમીના ફોનથી પતિ-પત્ની વચ્ચે તકરાર,181 અભયમ ટીમે હાલોલ નજીકના ગામમાં દંપતીનું સમાધાન કરાવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૭.૨૦૨૬
હાલોલ નજીકના એક ગામમાં પૂર્વ પ્રેમીના ફોન કોલ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં મામલો ૧૮૧ અભયમ હેલ્પલાઈન સુધી પહોંચ્યો હતો. પીડિતાએ ૧૮૧ પર કોલ કરીને આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ નશાની હાલતમાં તેમની સાથે મારપીટ કરી રહ્યા છે. બનાવની જાણ થતાં જ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પીડિતાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, તેમના મોબાઈલમાં બ્લોક લિસ્ટમાં રહેલા પૂર્વ પ્રેમીનો કોલ આવ્યો હતો, જે તેમના પતિએ જોઈ જતાં વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત પીડિતાએ પતિના અન્ય મહિલા સાથેના અફેરનો પણ આક્ષેપ કર્યો હતો. પતિના અફેર અંગે અગાઉ ગામના સરપંચ અને સંબંધિત મહિલાના પતિને પણ જાણ કરવામાં આવી હતી, જેના લીધે ઉશ્કેરાયેલા પતિએ પીડિતા પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે, પત્નીના ફોનમાં મેસેજ જોયા બાદ યોગ્ય જવાબ ન મળતાં અને પૂર્વ પ્રેમી તરફથી ધમકીભર્યા કોલ આવતા ગુસ્સામાં આવીને તેણે હાથ ઉપાડ્યો હતો. અભયમની ટીમે પતિને કાયદાકીય જોગવાઈઓ અને પરિણામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. લાંબી સમજાવટ બાદ બંને પક્ષોએ પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો હતો. પતિએ ભવિષ્યમાં નશો કરીને મારપીટ ન કરવાની તેમજ અન્ય મહિલા સાથેનો સંપર્ક તોડી નાખવાની ખાતરી આપી હતી, જ્યારે પત્નીએ પણ પતિ સાથે ખુલ્લેઆમ વાતચીત કરી સંચાર જાળવી રાખવાની સંમતિ દર્શાવી હતી. પીડિતા હાલ કોઈ કાનૂની કાર્યવાહી કરવા ન માગતી હોવાથી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ, જે ત્રાહિત વ્યક્તિના કારણે આ ઝઘડો ઊભો થયો હતો, તેની સામે કાયદાકીય પગલાં લેવા માટે પણ અભયમની ટીમે દંપતીને જરૂરી સલાહ આપી હતી.







