MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરવા બદલ ૩ શખ્સો સામે ગુનો દાખલ

MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરવા બદલ ૩ શખ્સો સામે ગુનો દાખલ
મોરબી-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે બિસ્માર રસ્તાના પ્રશ્ને પૂર્વ મંજૂરી વિના ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવા બદલ ટંકારા પોલીસે ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લજાઈ ચોકડી ખાતે કેટલાક લોકો દ્વારા વહીવટી તંત્રની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ વાહનો રોકીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ હાથમાં બેનરો લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ થાળે પાડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે નીચે મુજબના ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 223 અને 285 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે:હાર્દિકભાઈ નાનજીભાઈ ઘોડાસરા (રહે. રવાપર ચોકડી, મોરબી) બંસીભાઈ દિનેશભાઈ દલસાણીયા (રહે. કન્યા છાત્રાલય રોડ, મોરબી) પંકજભાઈ દયારામભાઈ મસોત (રહે. લજાઈ ગામ, ટંકારા) હળવદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આવા બિનઅધિકૃત પ્રદર્શનોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે તેમ હતી. જાહેરનામાનું ઉલ્લંઘન કરી વાહનવ્યવહારમાં અવરોધ ઊભો કરાતાં આ કડક પગલું ભરવામાં આવ્યું છે.









