AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય માર્ગો બન્યા મોટરેબલ,વિજયભાઈ પટેલે કર્યું માર્ગોનું નિરીક્ષણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામીણ માર્ગો અને કોઝવેના પુનઃનિર્માણ તથા સમારકામ માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ચીકટીયા–ગાઢવી માર્ગ પર ચાલી રહેલી માર્ગ મરામત કામગીરીનું સ્થળ પર પહોંચીને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

ભારે વરસાદના કારણે ચીકટીયા–ગાઢવી રોડ પર આવેલા ચીકટીયા, ટોકરદહાડ અને ગોર્યા ગામે ત્રણ જેટલા કોઝવે ક્ષતિગ્રસ્ત થયા હતા. શ્રી વિજયભાઈ પટેલ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જાતમુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ગ્રામીણ વિસ્તારનો વાહનવ્યવહાર સુરક્ષિત અને ઝડપથી પુનઃ શરૂ થાય તે માટે ગુણવત્તાયુક્ત અને ઝડપી સમારકામ કરવા સંદર્ભે અધિકારીઓને જરૂરી તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે, ડાંગમાં ગત દિવસોમાં વરસેલા મુસળધાર વરસાદને કારણે કુલ ૪૮ જેટલા ડુબાઉ કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા. હાલ નદીના પાણીનું સ્તર ઘટતાં માત્ર એક જ કોઝવે પરથી પાણીનું ઓવરટોપિંગ થઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન જે કોઝવે વારંવાર ઓવરટોપિંગના કારણે બંધ થઈ જાય છે, ત્યાં લોકોની સુખાકારી અને કાયમી ઉકેલ માટે નવા બ્રિજ બનાવવા રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ પરસ્પર સંકલનથી કાર્ય કરી રહ્યા છે તેમ જણાવતાં શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોની મુલાકાત દરમિયાન નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને તેનો ત્વરિત નિકાલ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે હાલ ૧૦ જેસીબી, ૮ ટ્રેક્ટર, ડમ્પર, રોલર, ટ્રોલી, ટ્રી કટર તથા ૬૦ થી વધુ શ્રમિકો સતત કાર્યરત છે. વરસાદથી ધોવાઈ ગયેલા માર્ગોને ટકાઉ બનાવવા વેટ મિક્સ, પેચવર્ક, સાઈડ શોલ્ડર મરામત અને લેવલિંગ જેવી કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહી છે.

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો દ્વારા કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી ગ્રામીણ જનજીવન પુનઃ ધબકતું થશે અને સ્થાનિક વાહનવ્યવહારમાં સરળતા ઊભી થશે.

Back to top button
error: Content is protected !!