આપણી કુદરતી વિરાસત અને ‘બિગ કેટસ’: પર્યાવરણીય સંતુલન માટે સંરક્ષણ અનિવાર્ય

આપણી કુદરતી વિરાસત અને ‘બિગ કેટસ’: પર્યાવરણીય સંતુલન માટે સંરક્ષણ અનિવાર્ય
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પર્યાવરણીય સંતુલન અને જંગલના નિવસનતંત્ર (Ecosystem) ને જાળવી રાખવામાં ‘બિગ કેટસ’ (માર્જાર કુળના મોટા પ્રાણીઓ) ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. સિંહ, વાઘ, દીપડો, જેગુઆર, હીમ દીપડો અને ચિત્તા જેવા સર્વોચ્ચ શિકારી (Apex Predators) જંગલોમાં ખોરાક શૃંખલાનું સંતુલન જાળવવામાં મુખ્ય યોગદાન આપે છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાઘ, સિંહ અને દીપડો મુક્તપણે વિચરતા જોવા મળે છે.

એશિયાઈ સિંહ: જૂનાગઢનું ગીર જંગલ અને બૃહદ ગીર વિસ્તાર એશિયાઈ સિંહોનું વિશ્વનું એકમાત્ર નિવસનસ્થાન છે. વન વિભાગ અને સ્થાનિક માલધારીઓના સહઅસ્તિત્વના પ્રયાસોથી સિંહોની વસ્તી વધીને હાલ ૮૯૧ થઈ છે.
રોયલ બંગાળ ટાઈગર: ભૂતકાળમાં ડાંગ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જોવા મળતા વાઘ સમય જતાં લુપ્ત થયા હતા. જોકે, ફેબ્રુઆરી ૨૦૨૬માં દાહોદ ખાતે કેમેરા ટ્રેપમાં પાડોશી રાજ્યમાંથી આવેલો વાઘ નોંધાયો હતો. ભારતમાં વાઘની કુલ વસ્તી ૩,૬૮૨ છે.
દીપડો: અનુકૂલન સાધવામાં નિષ્ણાત એવો દીપડો ગુજરાતના મોટાભાગના જંગલ અને સીમ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં ૧૩,૮૭૪ દીપડા છે, જેમાંથી ૨,૨૭૪ ગુજરાતમાં છે.
બ્લેક પેન્થર: કાળો રંગ ધરાવતો આ દીપડો જનીનીય ફેરફાર (Melanism) ને કારણે જોવા મળે છે. દક્ષિણ ગુજરાત અને નર્મદાના જંગલોમાં તે ભૂતકાળમાં નોંધાયો છે.
ચિત્તા: ભારતમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ મધ્યપ્રદેશના કુનો અને ગાંધી સાગર અભયારણ્યમાં આફ્રિકન ચિત્તા પુનઃસ્થાપિત કરાયા છે. ગુજરાતમાં કચ્છના બન્ની ઘાસના મેદાનોને આગામી સંવર્ધન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.
સંરક્ષણ યોજનાઓ અને મહત્વ
સિંહોના વસવાટના વિસ્તાર અને સ્વાસ્થ્ય મોનિટરિંગ માટે ‘પ્રોજેક્ટ લાયન’ કાર્યરત છે. તેમજ ગીર પરનું ભારણ ઘટાડવા પોરબંદર નજીક બરડા અભયારણ્યને સિંહોના ‘સેકન્ડ હોમ’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

બિગ કેટસ ‘અંબ્રેલા સ્પીસીસ’ હોવાથી તેમનું રક્ષણ કરવાથી જંગલો, નાના જીવો, વનસ્પતિ અને જળ સ્ત્રોતોનું રક્ષણ આપોઆપ થાય છે. બદલાતા સમય સાથે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સહઅસ્તિત્વની ભાવના અને જાગૃતિ કેળવવી જરૂરી છે.









