BHUJGUJARATKUTCH

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ જુલાઈ : વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે “Hepatitis: Let’s Break It Down” થીમ અંતર્ગત કચ્છ જિલ્લામાં હેપેટાઇટિસ જેવા ગંભીર પરંતુ સમયસર નિદાન અને સારવારથી નિયંત્રિત થઈ શકે તેવા રોગ અંગે લોકોને જાગૃત કરવા વિવિધ તાલુકાઓમાં આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ તથા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમો દરમિયાન હેપેટાઇટિસના પ્રકારો, તેના સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર તપાસનું મહત્વ તથા યોગ્ય સારવાર અંગે લોકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમો જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય તથા એચ.આઈ.વી./એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અધિકારીની દેખરેખ હેઠળ DISHA–DAPCU, વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGOs) તથા જિલ્લાના વિવિધ આરોગ્ય સંસ્થાઓના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક યોજાયા હતા.વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા કેમ્પોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પોમાં HIV, HBsAg (હેપેટાઇટિસ-બી), HCV (હેપેટાઇટિસ-સી), VDRL, ટીબી સ્ક્રીનિંગ, RBS (બ્લડ શુગર), બ્લડ પ્રેશર સહિતની વિવિધ આરોગ્ય તપાસો કરવામાં આવી હતી. સાથે જ જરૂરિયાતમંદ લાભાર્થીઓના આયુષ્માન ભારત કાર્ડ અને આભા કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા.સુંદરપુરી ખાતે પ્રથમ-95 લક્ષ્યાંકને અનુલક્ષીને આયોજિત જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ દરમિયાન કુલ 48 લાભાર્થીઓની વિવિધ આરોગ્ય તપાસો કરવામાં આવી હતી. કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્યકર્મીઓ, ICTC ટીમ, MPHS, MPHW, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, આશા કાર્યકરો તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી.કિડાણા ખાતે પણ પ્રથમ-95 લક્ષ્યાંક અંતર્ગત જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન 32 લાભાર્થીઓની HIV, HBsAg, HCV, VDRL, ટીબી સ્ક્રીનિંગ, RBS અને બ્લડ પ્રેશર સહિતની તપાસો કરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત લોકોને હેપેટાઇટિસના લક્ષણો, બચાવ અને સમયસર તપાસના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.સામખીયારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારી અને ICTC, સામુહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉના સંયુક્ત ઉપક્રમે શાંતિધામ વિસ્તારની આંગણવાડી ખાતે હેલ્થ ટેસ્ટિંગ કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન 48 વ્યક્તિઓના HIV ટેસ્ટ, 22 વ્યક્તિઓના HBsAg ટેસ્ટ, 12 વ્યક્તિઓની STI સંબંધિત તપાસ, 3 વ્યક્તિઓની ટીબી સ્ક્રીનિંગ તેમજ RBS અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત લોકોને હેપેટાઇટિસના સંક્રમણથી બચવા માટે સલામત જીવનશૈલી અપનાવવા, સમયસર તપાસ કરાવવા તથા સારવારમાં બેદરકારી ન રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લાના વિવિધ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસરો, તાલુકા આરોગ્ય તંત્ર, ICTC ટીમો, DAPCU ટીમ, MPHS, MPHW, CHO, FHW, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, આશા, આંગણવાડી કાર્યકરો તેમજ વિવિધ બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હેપેટાઇટિસ અંગે કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં નિઃશુલ્ક તપાસ અને સારવારનો લાભ લે તેમજ નિયમિત આરોગ્ય તપાસ દ્વારા પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખે.

Back to top button
error: Content is protected !!