ખંભાળીયાનો ઓમ અન્ડર ૧૬ ક્રીકેટ ટીમ મા રમશે

ખંભાળિયાના વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ઓમ જય ખેતીયાની રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી
જામનગર (ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સંકુલના પ્રતિભાશાળી વિદ્યાર્થી ઓમ જય ખેતીયાની અંડર-16 રાજ્યકક્ષાની ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં સમગ્ર શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
ઓમે પોતાની મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેની નિષ્ઠાના બળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મહેસુરભાઈ રાવલિયાએ ઓમ જય ખેતીયાને હાર્દિક અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ રમતગમત જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડે છે.
ઓમની આ સિદ્ધિથી સમગ્ર સંકુલમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને ભવિષ્યમાં પણ તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી સંસ્થા, જિલ્લો અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.




