MEHSANAVIJAPUR

વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી

વિદ્યાર્થીનીઓએ ગુરુપૂજન કરી ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાને વંદન કર્યું

વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી
વિદ્યાર્થીનીઓએ ગુરુપૂજન કરી ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાને વંદન કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે આવેલી શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા કોલેજ ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીની બહેનોએ શિક્ષકોને કંકુ તિલક કરી, પુષ્પ અર્પણ કરીને ગુરુપૂજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સર્વોચ્ચ સ્થાન અને ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું.આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ પટેલે પોતાના માર્ગદર્શનાત્મક ઉદ્બોધનમાં ચાણક્ય, દ્રોણાચાર્ય, પરશુરામ અને સાંદિપની ઋષિ જેવા મહાન ગુરુઓના જીવનપ્રસંગો ટાંકીને જણાવ્યું હતું કે ગુરુ માત્ર શિક્ષણ આપનાર જ નહીં, પરંતુ જીવનને યોગ્ય દિશા આપનાર સાચા માર્ગદર્શક છે. ગુરુના જ્ઞાન અને સંસ્કારથી જ વ્યક્તિનું ઘડતર શક્ય બને છે.

ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશભાઈ કટારિયાએ રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદના ઉદાહરણો દ્વારા ગુરુ-શિષ્યના અતૂટ સંબંધનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુરુનું માર્ગદર્શન વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

કાર્યક્રમમાં આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી બી. કે. પટેલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. અંતે વિદ્યાર્થીનીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, પ્રેરણાદાયી અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!