GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના: નિરાધાર બહેનોના જીવનમાં આત્મનિર્ભરતા અને ગૌરવનો નવો ઉજાસ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના: નિરાધાર બહેનોના જીવનમાં આત્મનિર્ભરતા અને ગૌરવનો નવો ઉજાસ

સમાજમાં પતિના અવસાન બાદ એકલી પડેલી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓને સામાજિક સુરક્ષા અને આર્થિક આત્મનિર્ભરતા પૂરી પાડવી એ રાજ્ય સરકારશ્રીની પ્રાથમિકતા રહી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ (અગાઉનું નામ ‘વિધવા સહાય યોજના’) આજે રાજ્યભરની લાખો બહેનો માટે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો મજબૂત આધાર બની છે.

રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને વિધવા શબ્દને સ્થાને સન્માનજનક ‘ગંગા સ્વરૂપા’ શબ્દનો સત્તાવાર પ્રયોગ કરીને સમાજમાં આ બહેનોની પ્રતિષ્ઠા અને ગૌરવ જાળવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.

• માસિક નાણાકીય સહાય અને સુશાસન : આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. ૧,૨૫૦/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે

• ડીબીટી (DBT) સિસ્ટમ : આર્થિક સહાયની રકમ સીધી જ લાભાર્થી બહેનોના સત્તાવાર બેંક અથવા પોસ્ટ ખાતામાં જમા થાય છે, જેથી વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થઈ છે અને પૂરી પારદર્શિતા જળવાઈ રહે છે.

• ઘરે બેઠા પેન્શન : સુશાસનના ભાગરૂપે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) ના સહયોગથી આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા પોસ્ટમેન મારફતે લાભાર્થી બહેનોને ઘરે બેઠા જ પેન્શનની રકમ મેળવવાની ઉત્તમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

• યોજના માટેની પાત્રતા અને માપદંડ ::

૧. મૂળ નિવાસી: અરજદાર મહિલા ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.

૨. વય મર્યાદા: અરજી કરતી વખતે મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે.

૩. વાર્ષિક આવક મર્યાદા:

• ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો માટે વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

• શહેરી વિસ્તારના ઉમેદવારો માટે વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

૪. પુનર્લગ્ન : જો લાભાર્થી મહિલા પુનર્લગ્ન કરે તો આ સહાય બંધ થાય છે. આવી બહેનો માટે ‘ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના’ હેઠળ રૂ. ૫૦,૦૦૦ ની સહાય અલગથી મળે છે.

• રજૂ કરવાના જરૂરી પુરાવા / દસ્તાવેજો

• પતિના મૃત્યુનો દાખલો (Death Certificate)
• સક્ષમ અધિકારીનો આવકનો દાખલો (મામલતદાર / TDO)
• ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ચૂંટણી કાર્ડ)
• રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ / રેશનકાર્ડ / વીજળી બિલ)
• બેંક અથવા પોસ્ટ ખાતાની પાસબુક (Aadhaar / DBT Linked)
• પુનર્લગ્ન નથી કર્યા તે અંગેનું એકરારનામું / શપથપત્ર
• પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ

• જૂનાગઢ જિલ્લામાં અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બહેનો માટે અરજી પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે:

૧. ગ્રામ્ય વિસ્તાર માટે:

• જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્ર (VCE) ખાતેથી Digital Gujarat Portal મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે.

• તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્ર જેમ કે જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ, વિસાવદર, મેંદરડા, વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ, માળિયા હાટીના પરથી ફોર્મ ભરી શકાય છે.

૨. જૂનાગઢ શહેર (મહાનગરપાલિકા) વિસ્તાર માટે:
• કલેક્ટર કચેરી કે તાલુકા સેવા સદન, જૂનાગઢ ખાતે આવેલ જન સેવા કેન્દ્ર પરથી.

૩. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, સરદાર બાગ પરિસર,જૂનાગઢ ખાતેથી પણ આ યોજના અંગેની જાણકારી અને લાભ મેળવી શકાઇ છે.

આજે આ યોજના અંતર્ગત મળતી માસિક સહાયથી ગંગા સ્વરૂપા બહેનો પોતાના પરિવારનું પાલનપોષણ કરવા ઉપરાંત પોતાના બાળકોના અભ્યાસ અને આરોગ્ય વિષયક જરૂરિયાતો સન્માનપૂર્વક પૂરી કરી રહી છે.

૧. બાળ સહાય (જો નાના બાળકો હોય તો) :
• ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત સહાય મેળવતી મહિલા જો ૧૮ વર્ષથી નાની વયના બે બાળકો ધરાવતી હોય, તો મુખ્યમંત્રી બાલ સેવા યોજના અથવા અન્ય સંકલિત યોજના હેઠળ બાળકોના શિક્ષણ અને પોષણ માટે વધારાની સહાય મેળવવા પણ પાત્ર બને છે.

૨. વાર્ષિક આવક દાખલાની માન્યતા (Income Certificate Validity) :
• આવકનો દાખલો જે મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવે છે. સામાન્ય રીતે ૩ વર્ષ માટે માન્ય ગણાય છે. અરજી કરતી વખતે દાખલો ચાલુ મુદતનો હોવો જરૂરી છે.

૩. વર્ષમાં એકવાર રજૂ કરવાનું ‘હયાતીનું પ્રમાણપત્ર’ (Life Certificate) :

• આ યોજના શરૂ થયા પછી સહાય સતત ચાલુ રાખવા માટે લાભાર્થી બહેનોએ દર વર્ષે સામાન્ય રીતે જુલાઈથીઓગસ્ટ માસમાં ઈ-ગ્રામ કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ/બેંક મારફતે ‘હયાતીની વિગતો’ (Digital/Physical Life Certificate) ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અપડેટ કરાવવાની રહે છે.

૪. ઓનલાઈન અરજી પોર્ટલ :

• જો કોઈ બહેન પોતે જ ઓનલાઈન ફોર્મ ભરવા માંગતી હોય, તો તેઓ Digital Gujarat Portal ની વેબસાઇટ digitalgujarat.gov.in પર જઈને સીધી જાતે જ નિઃશુલ્ક અરજી કરી શકે છે.

Back to top button
error: Content is protected !!