GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

કપાસના પાકમાં નવો સૂકારો અટકાવવા ખેડૂતોને તકેદારી રાખવા અપીલ

કપાસના પાકમાં નવો સૂકારો અટકાવવા ખેડૂતોને તકેદારી રાખવા અપીલ

કપાસના ઊભા પાકમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં પેરાવિલ્ટ એટલે કે નવો સૂકારોના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ રોગના કારણે છોડ અચાનક અથવા ધીમે ધીમે સૂકાઈ જતાં ખેડૂતોને ઉત્પાદનનું નુકસાન થવાની શક્યતા રહે છે. ખેડૂતો સમયસર યોગ્ય માવજત અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવે તો આ સમસ્યાનું અસરકારક નિયંત્રણ શક્ય બને છે. કપાસના પાકમાં પેરાવિલ્ટના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવાની સાથે જમીનની નિતાર શક્તિ વધારવા પર ભાર મૂકવો જરૂરી છે. હલકી જમીનમાં જીંડવાની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારોમાં ટૂંકા ગાળે નિયમિત પિયત આપવાથી છોડને તાણમાંથી બચાવી શકાય છે. પિયત આપ્યા બાદ અથવા વધુ વરસાદને કારણે જો પાકમાં ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જરૂરી છે. આ પ્રક્રિયાથી મૂળ વિસ્તારમાં હવાની અવરજવર સારી રહે છે, જેના કારણે છોડના મૂળ સક્રિય બની વિકાસને પ્રોત્સાહન મળે છે. અસરગ્રસ્ત છોડની ફરતે ૧ ટકા પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨ ટકા યુરિયાનું દ્રાવણ રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને સુકારાના પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારથી ૧૨ કલાકની અંદર આ માવજત કરવામાં આવે તો છોડને ફરીથી જીવંત બનાવવાની શક્યતા વધે છે અને પાકને થતું નુકસાન ઘટાડી શકાય છે. ખેડૂતોએ પેરાવિલ્ટ અંગે વધુ માર્ગદર્શન અને ટેકનિકલ સલાહ માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અથવા નાયબ ખેતી નિયામક તાલીમનો સંપર્ક કરવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!