
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : CM ભુપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમામાં લુસડિયા સંત સુરમલદાસજીની સમાધિ અને શામળાજી મંદિરના દર્શન કર્યા
*આદિજાતિઓના સંત સુરમલદાસજીની સમાધિના ભક્તિભાવપૂર્વક દર્શન અને લુસડિયા ધામના સંતોનું સન્માન કર્યું*
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુપૂર્ણિમા પર્વે અરવલ્લી જીલ્લાના શામળાજી તાલુકાના લુસડિયાધામ ખાતે સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કર્યા હતા.આદિજાતિઓના સુપ્રસિદ્ધ સંત સુરમલદાસજીની સમાધિ, ધુણો તથા રામદેવપીરની પ્રતિમાના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાળિયા ઠાકોરે શીશ ઝુકાવ્યું હતું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમા પર્વે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. લુસડિયા ધામના સંતોએ મુખ્યમંત્રીને સંત સુરમલદાસજીની તસવીર આપીને શુભાશિષ પાઠવ્યા હતા. લુસડિયા ધામ ટ્રસ્ટના પ્રમુખ ડી.એમ. ભોઈએ સંતશ્રી અને સમાધિની કથા વર્ણવી હતી. ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે લુસડિયા ધામે આવેલા સંતો અને ભક્તજનોનું અભિવાદન ઝીલીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો.
ગુરુપૂર્ણિમા એ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને દર્શાવતું પવિત્ર પર્વ છે. ગુજરાત અને રાજસ્થાનના આદિજાતિ વિસ્તારોના હજારો લોકો ગુરુપૂર્ણિમા નિમિત્તે લુસડીયા ધામમાં સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કરવા અને ગુરુજનોના આશીર્વાદ લેવા આવે છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ ગુરૂપૂર્ણિમાએ લુસડિયાધામના દર્શને ગયા હતા અને આદિજાતિ પરિવારો સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવના ભક્તિમય માહોલમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રીની સંત સમાધિ સ્થળની મુલાકાત સમયે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી પી.સી. બરંડા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મયૂર પટેલ, રાજકીય અગ્રણી ભીખાજી ઠાકોર સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ, જિલ્લા કલેકટર મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન સહિત જિલ્લાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.





