GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢના શિક્ષક તુષાર પંડ્યાને રાજ્યકક્ષાનો ‘સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૬’ એનાયત

સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે રમેશ ઓઝા, રતિલાલ બોરીસાગર અને પ્રો. અનિલ ગુપ્તાની ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સન્માન કરાયું

સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે રમેશ ઓઝા, રતિલાલ બોરીસાગર અને પ્રો. અનિલ ગુપ્તાની ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી એક ઉત્કૃષ્ટ શિક્ષકની પસંદગી કરી તેમને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૬’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સન્માન માટે જૂનાગઢ જિલ્લાના મંડલિકપુર પ્રાથમિક શાળાના શિક્ષક તુષાર અશોકભાઈ પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી.
તુષાર પંડ્યા દ્વારા શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઇનોવેટિવ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ અને આકાશ દર્શન ક્ષેત્રે વિશેષ કામગીરી કરવામાં આવી છે. તેમણે જૂનાગઢની અનેક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આકાશ દર્શન માધ્યમથી ખગોળશાસ્ત્રનું વિશેષ જ્ઞાન પૂરું પાડ્યું છે.
આ એવોર્ડ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના ટી. એસ. જોષી અને ડો. વિજય સેવક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પરિસંવાદ દરમિયાન રમેશ ઓઝાએ શિક્ષકોને સમાજના ઘડવૈયા ગણાવી વિદ્યાર્થીઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંસ્કારો વિકસાવવા પ્રેરણા આપી હતી. પ્રો. અનિલ ગુપ્તાએમાં સર્જનાત્મકતા અને નવીન વિચારસરણી કેળવવા પર ભાર મૂક્યો હતો, જ્યારે પદ્મશ્રી રતિલાલ બોરીસાગરે શિક્ષકના ગૌરવ અને જવાબદારી અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું.
તુષાર અશોકભાઈ પંડ્યાને પ્રાપ્ત થયેલા આ રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત સન્માન બદલ જૂનાગઢ જિલ્લાના શિક્ષણજગત, સહકર્મીઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!