MORBI મોરબી દોઢ માસ જૂના બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

MORBI મોરબી દોઢ માસ જૂના બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દોઢ માસ અગાઉ થયેલા મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ઉકેલી કાઢ્યો છે. એલસીબીની ટીમે ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ અને મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા એલસીબીની ટીમ નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે માળીયા–મોરબી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પ્રભુકૃપા ગેટ નજીક નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ સાથે આવતાં એક શખ્સને રોકી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આરોપી પાસે મોટરસાયકલના દસ્તાવેજો ન મળતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ અંદાજે દોઢ માસ અગાઉ પાડા પુલ નીચે ભરાતા રવિવારી બજાર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં આ બાઈક મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સમીરભાઈ ગફુરભાઈ જેડા (મીંયાણા), ઉંમર 25 વર્ષ, હાલ રહે. વિશીપરા,લાયન્સનગર, મોરબીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજિત રૂ. 15 હજાર કિંમતની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ કબજે કરવામાં આવી છે.આ સમગ્ર કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ, એએસઆઈ હિતેન્દ્રસિંહ ચડાસમા, એચસી ચંદુભાઈ કાણોતરા, પીસી ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.








