NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને સરકારની સહાય ઝડપથી મળે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

****

ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ અને ગડત ગામોની મુલાકાત લઈ નુકસાનની સમીક્ષા કરી, સર્વે કામગીરીનું વાસ્તવિક નિરીક્ષણ કર્યું

****

નવસારી જિલ્લામાં ભારેથી વરસાદના કારણે ગણદેવી તાલુકાના અસરગ્રસ્ત થયેલા સોનવાડી, સાલેજ અને ગડત ગામોની રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

          મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી રૂબરૂ જઈને તેમની સમસ્યાઓ જાણી મકાન, બગીચા તથા પશુધનને થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની કામગીરી અંગે ગ્રામજનો પાસેથી પ્રતિસાદ મેળવી સ્થળ પર જ વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

                આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાણીએ ભારે વરસાદ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરી તેમજ નુકસાનના સર્વેની પ્રગતિ અંગે મંત્રીશ્રીને વિસ્તૃત માહિતી આપી હતી. મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી સર્વેની કામગીરીની વિગતો મેળવી હતી.

                મંત્રીશ્રીએ અધિકારીઓને દરેક અસરગ્રસ્ત ગામોમાં મકાન, પશુધનના નુકસાનનો પારદર્શક, સચોટ અને સમયબદ્ધ સર્વે પૂર્ણ કરી રાજ્ય સરકારના નિયમો અનુસાર સહાયનો લાભ ઝડપથી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.           

                મુલાકાત દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!