CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલને મળ્યો પ્રતિસાદ -કુલ 4 દાવા અરજીઓ પ્રાપ્ત થઈ

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણના હક અંગે જાગૃતિ વધતા કચેરીમાં દાવા અરજીઓ મળવાની શરૂઆત

તા.30/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણના હક અંગે જાગૃતિ વધતા કચેરીમાં દાવા અરજીઓ મળવાની શરૂઆત, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિકારો અંગે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા તાજેતરમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 અંગે જાહેર જનતાને માર્ગદર્શન આપતી પ્રેસનોટ તેમજ વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ પ્રેસનોટ અને વિડિઓ ના પરિણામે વૃદ્ધ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોમાં પોતાના કાયદેસરના અધિકારો અંગે જાગૃતિ આવી છે અને તેની હકારાત્મક અસરરૂપે નાયબ કલેક્ટર કચેરી, ચોટીલામાં ભરણપોષણ માટેની અરજીઓ મળવાની શરૂઆત થઈ છે ઘણા કિસ્સાઓમાં વૃદ્ધ માતા-પિતાને પોતાના સંતાનો દ્વારા અવગણના કરવામાં આવતી હોય છે ઘરમાં રાખવામાં આવતા નથી અથવા તેમના ભરણ પોષણની જવાબદારી નિભાવવામાં આવતી નથી આવા સંજોગોમાં ઘણા વડીલો પોતાના કાયદેસરના અધિકારોથી અજાણ હોવાના કારણે વર્ષો સુધી અન્યાય સહન કરતા હોય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જનજાગૃતિ અભિયાન હાથ ધરી લોકોને સમજાવ્યું હતું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ દરેક માતા- પિતા અને વરિષ્ઠ નાગરિકને પોતાના સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવાનો કાયદેસરનો અધિકાર પ્રાપ્ત છ અને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ને ભરણ પોષણ ટ્રિબ્યુનલના અધ્યક્ષ જાહેર કરેલ છે પ્રેસનોટ પ્રસિદ્ધ થયા બાદ ચોટીલા સબ-ડિવિઝનના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોએ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું છે તેમજ કેટલાક અરજદારોએ અધિનિયમની કલમ-5 હેઠળ ભરણપોષણ માટેની ચાર દાવા અરજીઓ પણ રજૂ કરી છે અરજીઓ પ્રાપ્ત થતાં સંબંધિત કેસોમાં કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને બંને પક્ષોને નોટિસ આપી નિયમસર સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે વૃદ્ધ માતા-પિતાનું સન્માન અને તેમનું ભરણપોષણ કરવું માત્ર નૈતિક ફરજ જ નહીં પરંતુ કાયદેસરની જવાબદારી પણ છે કોઈપણ સંતાન પોતાના માતા-પિતાની અવગણના કરે અથવા તેમને ભરણ પોષણથી વંચિત રાખે તો આવા માતા-પિતા કાયદાકીય રીતે પોતાનો હક મેળવી શકે છે તેથી કોઈપણ જરૂરિયાતમંદ માતા-પિતા અથવા વરિષ્ઠ નાગરિકોએ ડર કે સંકોચ રાખ્યા વિના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, ચોટીલામાં અરજી કરી કાયદાનો લાભ લેવો જોઈએ ચોટીલા સબ-ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકાના કોઈપણ ગામના માતા-પિતા અથવા વરિષ્ઠ નાગરિકો, જો તેઓ પોતાના સંતાનો તરફથી તરછોડાયેલા હોય, ભરણ પોષણથી વંચિત રાખવામાં આવતા હોય અથવા તેમની યોગ્ય સંભાળ લેવામાં આવતી ન હોય, તો તેઓ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ચોટીલામાં દાવા અરજી રજૂ કરી શકે છે લોકોને અપીલ કરવામાં આવી છે કે પોતાના પરિવારના વૃદ્ધ સભ્યોનું સન્માન કરે, તેમની લાગણીઓનો આદર કરે અને તેમના ભરણપોષણ તથા કલ્યાણની જવાબદારી નિભાવે જો કોઈ વડીલને અન્યાય થતો હોય તો તેમના કાયદેસરના અધિકારો અંગે માહિતી આપી યોગ્ય કાયદાકીય સહાય મેળવવામાં સહયોગી બને.ચાલો આપણે સૌ મળીને વૃદ્ધ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા, સન્માન અને આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર અપાવવામાં સહભાગી બનીએ.

Back to top button
error: Content is protected !!