ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ –  વૈડી ડેમ રોડ પર હોર્ન વગાડવાની બાબતે યુવક પર જીવલેણ હુમલો, ત્રણ સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  વૈડી ડેમ રોડ પર હોર્ન વગાડવાની બાબતે યુવક પર જીવલેણ હુમલો, ત્રણ સામે ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં હોર્ન વગાડવાની સામાન્ય બાબતને લઈને યુવક પર જીવલેણ હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નાની પંડુલી ગામના રહેવાસી રાજુભાઈ મેઘાભાઈ કલાસવાએ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો છે.ફરિયાદ અનુસાર, 28 જુલાઈ 2026ના રોજ સાંજે તેઓ પોતાના ફોઈના ઘરે પાલ્લા (કદવાડા) ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન વૈડી ડેમની પાળ પાછળના રોડ પર ત્રણ આરોપીઓએ તેમની મોટરસાયકલ રસ્તામાં આડી ઉભી રાખી હતી. હોર્ન વગાડતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો.આક્ષેપ છે કે કલ્પેશ રણછોડભાઈ કલાસવાએ લોખંડના સળિયાથી હુમલો કર્યો. ફરીયાદી બચવાનો પ્રયાસ કરતાં સળિયો માથામાં વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ વિજય જીવાભાઈ રોત અને નિતીન ભાઈલાલ અસારીએ ગડદા-પાટુનો માર મારી જમણી આંખ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી.

હુમલા બાદ ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્તને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે વાસણા સરકારી હોસ્પિટલ, ત્યારબાદ મોડાસા જાહેર હોસ્પિટલ અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સારવાર બાદ 29 જુલાઈએ ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલ્પેશ રણછોડભાઈ કલાસવા, વિજય જીવાભાઈ રોત અને નિતીન ભાઈલાલ અસારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!