MEHSANAVIJAPUR

વિજાપુર સુપર માર્કેટ ખાલી કરવાની નોટિસથી વેપારીઓમાં ચિંતા

ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા સમક્ષ વેપારીઓની રજૂઆત; રિનોવેશનની માંગ, પાલિકા તપાસ બાદ લેશે નિર્ણય

વિજાપુર સુપર માર્કેટ ખાલી કરવાની નોટિસથી વેપારીઓમાં ચિંતા

ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા સમક્ષ વેપારીઓની રજૂઆત; રિનોવેશનની માંગ, પાલિકા તપાસ બાદ લેશે નિર્ણય

oppo_0

વિજાપુર તા વિજાપુર નગરપાલિકા દ્વારા સુપર માર્કેટ તરીકે ઓળખાતા શોપિંગ સેન્ટરને જર્જરિત અને ઉપયોગ માટે જોખમી જાહેર કરીને ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા વેપારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પ્રમાણપત્રના આધારે ઇમારત જોખમી હોવાનું જણાવી શોપિંગ સેન્ટરને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવાની હોવાથી તમામ ભોગવટેદારોએ ત્રણ દિવસમાં દુકાનો તથા માલસામાન ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી છે.

નોટિસના પગલે વેપારીઓએ ડૉ. સી. જે. ચાવડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર તથા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ સમક્ષ રજૂઆત કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર માર્કેટ જોખમી નથી, પરંતુ માત્ર એક ભાગમાં છતમાંથી પોપડા ઊખડવાની સમસ્યા છે. તેથી ઇમારત તોડી પાડવાને બદલે જરૂરી મરામત અને રિનોવેશન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

વેપારીઓની રજૂઆત બાદ ધારાસભ્યએ પાલિકાના અધિકારીઓ તથા ઇજનેર પાસેથી માર્કેટની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વધુ ટેક્નિકલ તપાસ બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ, સુપર માર્કેટના વેપારીઓ સાથે નગરપાલિકાની ભોગવટાની શરતો અને કરારની મુદત પણ પૂર્ણ થવાના આરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પાલિકા આખરે શું નિર્ણય લે છે તેના પર વેપારીઓની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!