GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનોજ પનારા સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર અને SPને પાઠવ્યું આવેદનપત્ર 

 

MORBI:મોરબી મનોજ પનારા સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર અને SPને પાઠવ્યું આવેદનપત્ર

મોરબી જિલ્લામાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામાજિક વૈમનસ્ય અને વર્ગવિગ્રહ ફેલાવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે સર્વ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નિલેશ એરવાડિયા સહિતના વિવિધ સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ રેલી યોજીને જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તથા મનોજ પનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

કલેક્ટર અને SPને આપવામાં આવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે મનોજ પનારા દ્વારા વિવિધ સમાજો વચ્ચે વર્ગવિગ્રહ ઊભો થાય તેવા ભાષણો આપવામાં આવી રહ્યા છે અને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજ પનારા અને અન્ય ૭ લોકો સામે અગાઉથી જ FIR નોંધાયેલી છે. સર્વ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૯૬ મુજબ તેમની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવે.

“મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ સમાજના લોકો એકબીજા સાથે ખૂબ જ સારા નૈતિક અને સામાજિક વ્યવહારો ધરાવે છે. મોરબી જિલ્લામાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તથા કોઈ જ્ઞાતિવાદી ઝઘડા ન થાય તે માટે આ આવેદન આપવામાં આવ્યું છે. જો મોરબીમાં કોઈ જાતિવાદી કીડાઓ હોય તો DDT દવા છાંટીને તેનો કાયમી ઈલાજ કરવો જોઈએ.”

 

“મનોજ પનારા માત્ર પોતાની પ્રસિદ્ધિ ભૂખ્યા થઈને સમગ્ર હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનો અને વર્ગવિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુનો નોંધાયો હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ થઈ નથી. તેઓ ૧૫ થી ૨૫ ગાડીઓના કાફલા સાથે નીકળી લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે અને એક વીડિયોમાં ખુલ્લેઆમ પિસ્તોલ પણ માંગી રહ્યા છે. આજે મોરબીના સર્વ સમાજે એક થઈને આવા તત્વોને જડબાતોડ જવાબ આપ્યો છે.”રેલીમાં જોડાયેલા તમામ આગેવાનોએ એકસૂરે મોરબીની અમન-શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે તાત્કાલિક અને દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!