જેલમાં ઇમરજન્સી સાયરન કે વ્હીસલ કે એલાર્મ ક્યારે વાગે ?? – મહેશ દવે નિવૃત્ત જેલર

તા.31/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જેલોમાં સામાન્ય સંજોગોમાં કેદીઓની પણ રૂટિન લાઇફ હોય છે. સવારે ૦૬.૩૦ કલાકે જેલ ઓપનિંગ થાય એટલે કેદીઓની ગણતરી થયા બાદ દિવસપાળી રાતપાળી ચાર્જની લેવડ દેવડ થાય ત્યાર બાદ બધા કેદીઓ સવારની દૈનિક ક્રિયાઓ કરતા હોય છે. સાડા સાત વાગે કેદીઓ માટે ચા-નાસ્તો આવે જેમાંથી કોઈ કર્મચારીઓ પણ ચા ની ચુસ્કી મારી લેતા હોય છે. 09.00 કલાકે જેલ અધિક્ષકનો રાઉન્ડ હોય છે જેમાં અધિક્ષક દ્વારા યાર્ડ બેરેક અને રસોઈઘરની સ્વછતા રસોઈ ટેસ્ટિંગ થાય, કેદીઓની કોઈ રજૂઆત હોય તો સાંભળી રાઉન્ડ બાદ સાડા દસ કલાકે કેદીઓ ભોજન કરી લેતા હોય છે. એ સમય દરમ્યાન કોઈ કેદીઓ મુલાકાત રૂમ તરફ જતા આવતા હોય કોઈ કેદી કોર્ટ મુદતે જતા હોય કોઈ બીમાર કેદીઓ સારવાર અર્થ જેલ હોસ્પિટલ કે સિવિલ હોસ્પીટલ જતા હોય છે. પાકા કેદીઓ પોતાના વિભાગમાં કામે જતા હોય છે છૂટવાપાત્ર કેદીઓ છૂટવાની ખુશીમાં રાહ જોઈને બેઠા હોય નવા આવેલા કેદીઓના એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય છે. સંવર્ગ વાઈઝ ખાખી કર્મચારીઓ પણ પોતાના પોઇન્ટ ઉપર પોતાની ફરજ ઉપર તૈનાત હોય છે. આમ સામાન્ય રીતે જેલમાં શાંતિ જ હોય છે. પરંતુ જેલ આખરે જેલ છે. જેમ બહારની દુનિયામાં સારી ખરાબ ઘટનાઓ સમયાંતરે બનતી હોય એમ જેલમા પણ ઘણીવાર અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. બે કેદીઓ વચ્ચે જગડો થવો કે અંદરો અંદર કેદીઓના બે જૂથ વચ્ચે કે સ્ટાફ અને કેદી વચ્ચે ઘર્ષણ થતું હોય છે. સામાન્ય બોલાચાલી જેવું હોય તો ફરજ ઉપરના નાના કર્મચારીઓ આટોપી લેતા હોય છે. પરંતુ ઘણીવાર જેલમાં ગેંગસ્ટરોની વર્ચસ્વની લડાઈમાં મોટાપાયે અથડામણ થાય ત્યારે ચકચારી “ચેતન બેટરી” હત્યાકાંડ જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. આમ પરિસ્થિતિ કાબુ બહાર જાય ત્યારે જેલની ભાષામાં ઈમરજન્સી કહેવાય,સાયરન કે સીટી કે એલાર્મની સ્થિતિને જેલ મેન્યુઅલની ભાષામાં “આઉટ બ્રેક” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પરિસ્થિતિ મુજબ મિનિમમ ફોર્સ થી લઈને ફાયરિંગ કરવા સુધીની જોગવાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધુ સંખ્યામાં ખાખી ફોર્સની જરૂર પડે છે ત્યારે સાથી કર્મચારીઓને મદદે બોલાવવા માટે કર્મચારીઓ દ્વારા નોન સ્ટોપ યુનિફોર્મ વ્હીસલ (સીટી) એલાર્મ વગાડવામાં આવે છે. જેલમાં વ્હિસલ સાંભળીને જેલની અંદર એક સેકન્ડમાં ભયનો માહોલ ઉભો થઈ જાય છે કોઈ ગંભીર મામલો જ છે એમ સમજી જેલના ગેટમાં આવેલું મુખ્ય સાયરન પણ ધણધણી ઊઠે છે. ફરજ ઉપર ન હોય એવા કર્મચારીઓ પણ ઘેરથી તાત્કાલિક સીવીલ કપડામાં સરકારી લાઠી હેલ્મેટ સાથે આવી જાય છે. જરૂર જણાય તો નજીકના પોલીસ સ્ટેશન ઉપરાંત મુખ્ય પોલીસ મથકથી પણ વધુ પોલીસ ફોર્સ બોલાવી લેવામાં આવે છે. કેદી વોર્ડર વોચમેન પણ હરકતમાં આવી જાય છે. સૌ પ્રથમ જ્યાં બનાવ બન્યો હોય એ સિવાયના યાર્ડ/બેરેકોમાં બીજા કેદીઓને બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ જ્યાં ઘર્ષણ થયું હોય ત્યાં મુખ્ય એ.પી.સેન્ટર ઉપર મોટી સંખ્યામાં સ્ટાફ પહોંચી જાય છે. સૌ પ્રથમ જો કોઈ કેદીઓ કે સ્ટાફ ઘાયલ થયા હોય તો ત્વરિત જેલ હોસ્પિટલ પહોચાડવામાં આવે છે. પરિસ્થિતિ કાબુ બહાર હોય તો સ્ટાફ દ્વારા હળવો લાઠીચાર્જ એટલે કે બળ પ્રયોગ શરૂ કરવામાં આવે છે. પણ આવા સમયે ગુસ્સામાં રહેલ સ્ટાફ દ્વારા દોષિત કે નિર્દોષ કેદીઓનું વર્ગીકરણ કર્યા વિના આડેધડ લાઠીઓ વીંઝવાની પ્રથા એટલે હોય છે કે જેલના કેદીઓને ખબર હોય કે એકાદ દોકલ કોઈ કેદી જેલમાં સુલેહ શાંતિનો ભંગ કરશે તો બીજા નિર્દોષ કેદીઓ પણ લાઠીચાર્જનો ભોગ બનશે જેથી કોઈ કેદી આવું પગલું ભરતા ડર અનુભવે છે. છતાં ઘણી વખત ઘર્ષણ દરમ્યાન મોટી સંખ્યામાં કેદીઓનું ટોળું સ્ટાફ સામે ધસી આવે કે મેઇનગેટ તરફ ધસી આવે ત્યારે કેદીઓ નાસી ભાગી જવાની કે કોઈ અઘટિત બનાવની દહેશત લાગે અથવા કોઈ સ્ટાફ કર્મચારીને કેદીઓએ બાનમાં લીધા હોય કોઈનો જાન જોખમમાં હોય ત્યારે લાઠીચાર્જ સાથે ફાયરીંગ પણ કરવાની નોબત આવે છે. આવા લાઠીચાર્જ કે ફાયરિંગમાં ક્યારેક કોઈ કેદી કે કોઈ સ્ટાફનું મૃત્યુ થાય એવી શક્યતા પણ નકારી શકાય નહીં પરંતુ મારી ફરજો દરમ્યાન ગુજરાતની કોઈ જેલમાં કોઈ કેદી કે સ્ટાફનું મૃત્યુ થયાની કોઈ ઘટના મારા ધ્યાનમાં નથી પરંતુ 35 વર્ષની ફરજો દરમિયાન પાંચ કે છ વખત ઈમરજન્સી સીટી વાગી છે. મારી ફરજો દરમિયાન 1992/93માં રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કર્મચારી ઉપર હુમલો થતા અને છેલ્લે 2009 માં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છોટા ચકર યાર્ડમાં એક જેલર ઉપર હુમલો થતા ઇમરજન્સી ઉભી થયેલી જે અનુભવ સૌથી ભયંકર રહ્યો છે. જેમા લગભગ ત્રણથી ચાર કલાક લાઠી ચાર્જ ચાલ્યો હતો 100 થી વધુ કેદીઓ ઘાયલ થયા હતા. સ્ટાફના કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેલોના વડા ડી.જી. સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર હાજર હતા. ભયંકર ગરમ માહોલ જોયેલો છે એ અનુભવ અવીસ્મરણીય કહી શકાય એવો છે. કારણ કે એ ઘટનાનો હું સાક્ષી રહ્યો છું અને ચાલીસ જેટલી લાઠીઓ તૂટી ગઈ હતી એમાં એક તૂટેલી લાઠી મારી પણ હતી. તેમ છતાં અનુભવે કહેવું પડે છે જે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતની જેલોમાં હંમેશા શાંતિ જળવાઈ રહે છે. વારંવાર ઈમરજન્સી કે સીટી વાગવાની ઘટના બનતી નથી. સબ જેલમાં તો ક્યારેય સીટી વાગતી જ નથી પરંતુ સેન્ટ્રલ જેલોમાં આવી શક્યતા વધુ હોય છે. આવા સમયે જેલનો માહોલ ડરામણો હોય છે. શું પરિણામ આવશે એ કહેવું મુશ્કેલ હોય છે. પણ પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ હંમેશા થતી હોય છે. ગુજરાત રાજ્યનો ક્રાઈમ અને ક્રિમીનલ તુલનામાં થોડો સોફ્ટ છે. જેમ કે તાજેતરમાં શ્રીલંકાની જેલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ ફાયરિંગમાં જેલમાં 27 કેદીઓના મોત થયા હતા ૨૦૦ કેદીઓ ઘાયલ થયા હતા. અનેક સ્ટાફ કર્મીઓ ઘવાયા હતા. પરંતુ ગુજરાત જેલમાં આટલી હદે પરિસ્થિતિ ક્યારેય વણસતી નથી. પણ વ્હીસલ વાગવી એટલે કે ઇમરજન્સી ઉભી થવી એ સારી બાબત નથી છતાં આવી ઘટનાઓ બનતી હોય છે જેનો ઇનકાર કરી શકાય નહીં એવી ઘટના બન્યા બાદ વડી કચેરીને બનાવ સંદર્ભે અહેવાલ સાદર કરવો પડે છે.




