માર્ગ અને મકાન વિભાગ દ્વારા લુડવા-દરશડી-કોજાચોરા માર્ગ પર સી.સી. રોડ અને પુલિયાનું કામ પૂર્ણ અને ડામર કામગીરી પ્રગતિમાં.
૩૫ કરોડના ખર્ચે લુડવા-દરશડી-કોજાચોરા રોડનું યુદ્ધના ધોરણે નવનિર્માણ: ૧૦થી વધુ ગામોને મળશે ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ લુડવા-દરશડી રોડની કાયાપલટથી હજારો ગ્રામજનોની મુસાફરી બનશે વધુ સુગમ અને સુરક્ષિત

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૩૧ જુલાઈ : વર્ષ ૨૦૧૯માં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભુજ હસ્તક સોંપવામાં આવેલો લુડવા-દરશડી-કોજાચોરા રોડ સ્થાનિક ગ્રામજનો માટે મહત્વપૂર્ણ છે. આ માર્ગ મુખ્યત્વે લુડવા, દરશડી, મમાયમોરા અને કોજાચોરા સહિત આસપાસના અન્ય ૮ થી ૧૦ ગામોના નાગરિકો માટે રોજિંદા પરિવહનનું મુખ્ય માધ્યમ હોવાથી બહુ ઉપયોગી છે.આ માર્ગ પરથી ખનીજનું વહન કરતા ભારે વાહનોનો ટ્રાફિક મોટા પ્રમાણમાં પસાર થાય છે. અગાઉ, ખાણ-ખનીજનું પરિવહન કરતા આ ભારે વાહનોની સતત અવરજવરને કારણે માર્ગને વ્યાપક નુકસાન થતું હતું. તદુપરાંત, ચોમાસાની ઋતુ દરમિયાન કોઝવે પર પાણી ફરી વળવાના કારણે સ્થાનિક નાગરિકોને ટ્રાફિક જામ અને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.લોકસુખાકારી અને પરિવહનની સુવિધાને પ્રાધાન્ય આપીને સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪માં સદર માર્ગના નવનિર્માણ અને મજબૂતીકરણ માટે રૂ. ૩૫.૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત ગામતળમાંથી પસાર થતા હિસ્સામાં સી.સી. રોડ અને બાકીની લંબાઈમાં ડામર રોડ બનાવી હયાત માર્ગનું મજબૂતીકરણ કરવાના નકશા-અંદાજો મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ સી.સી. રોડ તેમજ નાળા-પુલિયાના નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે અને ડામર કામગીરી પ્રગતિ હેઠળ છે. બાકી રહેલી કામગીરી નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ માર્ગની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ, ખનીજ વહન કરતા કમર્શિયલ વાહનો અને આસપાસના ગામોના નાગરિકો માટે પરિવહન અત્યંત સરળ અને સુગમ બની જશે. નાગરિકોને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી રાહત મળશે અને ભારે વાહનોના કારણે થતા અકસ્માતો પણ નિવારી શકાશે. જે આખરે સ્થાનિક નાગરિકો-મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.













