NATIONAL

લોકોનો અવાજ દબાવવા તમામ કાયદાનો ઉપયોગ થઇ રહ્યો છે : જસ્ટિસ એપી શાહ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને જજોની પસંદગી, ટ્રાન્સફર વગેરે નિર્ણયો લેતી કોલેજિયમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે દિલ્હી હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એપી શાહે દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એક્ટિવિસ્ટ અને અસહમત લોકોનો અવાજ દબાવવા માટે તમામ પ્રકારના કાયદાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. જો દેશના યુવાનો કોઇ રાજનેતાનું રાજીનામુ માગે તો તેને લાકડીઓ ખાવી પડી રહી છે એટલુ જ નહીં તેની સાથે કેસ પણ કરી દેવાય છે.
ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનની એક લેક્ચર સીરીઝમાં દિલ્હી હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એપી શાહે આ ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે બોલવાની સ્વતંત્રતા લોકશાહીના પાયા સાથે જોડાયેલી છે. રાજકીય ચર્ચાથી લોકોને જાણકારી મળે છે, ટિકાઓનો સામનો કરવાનો સૌથી મોટો ઉપાય લોકો સાથે વાતચીત કરવાનો છે. લોકોના સવાલોનો જવાબ આપવાનો છે. પરંતુ લાગી રહ્યું છે કે આપણા દેશના સત્તાધીશો આ વાત ભુલી ગયા છે. દુ:ખદ બાબત છે કે આજે એક્ટિવિસ્ટ, અસહમતિ રાખનારા તેમજ રાજકીય કાર્ટૂનિસ્ટોને ચુપ કરાવવા કે પરેશાન કરવા અનેક પ્રકારના કાયદાઓનો ઉપયોગ કરાઇ રહ્યો છે. યુવાનો કોઇ નેતાનું રાજીનામુ માગે તો તેને લાઠીઓ પડી રહી છે. કેસો કરી દેવાય છે.

જ્યારે દિલ્હીમાં એક સંસ્થાની ન્યાયિક પારદર્શિતા ઇન્ડેક્સ રિપોર્ટના લોન્ચિંગ સમયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહ્યું હતું કે જો કોઇ જજની પસંદગી કોઇ પદ માટે કરવામાં ના આવે તો તે નિર્ણય પાછળનું કારણ ના જણાવવું અન્યાય છે. કોલેજિયમ જજોની નિમણુંક, પ્રમોશન, ટ્રાન્સફર વગેરેની ભલામણો કરતી હોય છે. આ તમામ નિર્ણયો પાછળના ચોક્કસ કારણો પણ લોકો માટે જાહેર થવા જોઇએ. લોકોને પોતાના જજો કોણ છે તે જાણવાનો અધિકાર છે, જજો કેવા પ્રકારના ચુકાદા આપે છે તે જાણવાનો તેમને અધિકાર છે. કોર્ટમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો તેમને અધિકાર છે. આ તમામ માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ હોવી જોઇએ. સાવ એવુ પણ નથી કે તમામ નિર્ણયો ગુપ્ત રખાય છે, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત અંગે લેવાયેલા નિર્ણયોની વિગતવાર માહિતી અપાઇ હતી. ક્યારેક એવુ પણ બને છે કે એવા વ્યક્તિ જજ બની જાય છે કે જે બાદમાં લોકોને કીડી સાથે સરખાવવા જેવા ગેરબંધારણીય નિવેદનો આપે છે. નોંધનીય છે કે આ કીડી વાળી ટિપ્પણી હાઇકોર્ટના એક પૂર્વ જજ દ્વારા એક કાર્યક્રમમાં અપાઇ હતી જેમાં તેમણે એક ચોક્કસ ધર્મના લોકોને લઇને નિવેદન આપ્યું હતું જેથી વિવાદ પણ થયો હતો. આ ટિપ્પણીનો ઉલ્લેખ કરીને ન્યાયાધીશ ભુયાને કોલેજિયમ દ્વારા થતી પસંદગી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!