BHUJGUJARATKUTCH

આકાંક્ષી બ્લોક કાર્યક્રમને લઈને કચ્છ કલેક્ટર કચેરી ખાતે ‘NITI TARA’ ડિવાઇસ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૨ ઓગસ્ટ  :- આકાંક્ષી બ્લોક કાર્યક્રમ (Aspirational Blocks Programme) અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘NITI TARA’ (National Institution for Transforming India Toolkit for Analysis, Review and Action) ડિવાઇસ અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NITI TARA ડિવાઇસ એ નીતિ આયોગ (NITI Aayog) દ્વારા આકાંક્ષી જિલ્લા અને આકાંક્ષી બ્લોક કાર્યક્રમ હેઠળ ફિલ્ડ મોનિટરિંગ તથા સચોટ ડેટા સંગ્રહ માટે વિકસાવવામાં આવેલ એક અત્યાધુનિક ડિજિટલ ઉપકરણ છે.આ ડિવાઇસનો મુખ્ય ઉપયોગ ફિલ્ડ મુલાકાત દરમિયાન જરૂરી માહિતી એકત્રિત કરવા, જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથે પુરાવા અપલોડ કરવા અને વિવિધ વિભાગોની યોજનાઓની પ્રગતિ નોંધવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામ્ય તથા બ્લોક સ્તરે થયેલ કામગીરીનું ડિજિટલ મોનિટરિંગ કરવા તેમજ ફિલ્ડ અવલોકનો અને અહેવાલો ઝડપથી નીતિ આયોગ સુધી પહોંચાડવા માટે આ ઉપકરણ ઉપયોગી સાબિત થશે. ડિવાઇસ દ્વારા એકત્રિત થતી ચોક્કસ માહિતીના આધારે બ્લોકની કામગીરીનું અસરકારક મૂલ્યાંકન, ભવિષ્યનું આયોજન તથા સમયસર સમીક્ષા કરવામાં વહીવટી તંત્રને મહત્વપૂર્ણ સહાય પ્રાપ્ત થશે.આ તાલીમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓને NITI TARA ડિવાઇસની કાર્યપદ્ધતિ, ઉપયોગિતા તેમજ ફિલ્ડ લેવલ પર તેના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ડિવાઇસના વ્યવહારુ ઉપયોગ, ફિલ્ડ સર્વેની પ્રક્રિયા, ડેટા અપલોડ કરવાની પદ્ધતિ અને વિવિધ તકનીકી મુદ્દાઓ અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, ફિલ્ડ મોનિટરિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક, ગુણવત્તાસભર અને પરિણામલક્ષી બનાવવા માટે તમામ અધિકારીઓને NITI TARA ડિવાઇસનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.તાલીમ કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલ, જિલ્લા આયોજન અધિકારી જે.સી.રાવલ, જિલ્લાના સંલગ્ન અધિકારી તેમજ લખપત અને રાપર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ઓ અને તાલુકાકક્ષાના સંબંધિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!